લોકોને પાટા ઓળંગતા રોકવા માટે સેન્ટ્રલ રેલવેની રેડ સેફ્ટી બૉક્સની ટ્રિક કામયાબ રહી

12 June, 2024 12:27 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

સેફટી બૉક્સ મૂકી દેવાથી મહિલા પ્રવાસી, સિનિયર સિટિઝન અને જેમની પાસે વધારે લગેજ હોય એવા પ્રવાસીઓને અસર પડી છે

લાલ રંગનાં બૉક્સ

સેન્ટ્રલ રેલવેમાં પ્રવાસીઓ પાટા ઓળંગવાનું રોકી દે એટલા માટે હવે પ્લૅટફૉર્મના અંતમાં લાલ રંગનાં બૉક્સ મૂકવામાં આવ્યાં હોવાથી હવે પ્લૅટફૉર્મ પરથી કૂદીને પાટા ક્રૉસ કરવાનું મુશ્કેલ બન્યું છે અને એના કારણે પાટા ક્રૉસ કરતાં થતાં મૃત્યુના કેસમાં ઘટાડો થયો છે.

સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આ આઇડિયાને અમલમાં મૂકવામાં આવ્યો છે અને એ કામયાબ નીવડ્યો હોય એવું જણાઈ રહ્યું છે. રેલવેનું પ્લૅટફૉર્મ પૂરું થાય એટલે ત્યાં પહેલાં રૅમ્પ ચણવામાં આવતા હતા જેથી લોકો આસાનીથી એના પરથી ઊતરી જતા હતા, પણ પાટા ક્રૉસ કરતાં થતાં મૃત્યુને રોકવા માટે પ્લૅટફૉર્મ પૂરું થાય ત્યાં હવે રૅમ્પ ખોદીને હટાવી દેવામાં આવ્યા છે અને ત્યાં લાલ રંગનાં સેફ્ટી બૉક્સ મૂકી દેવામાં આવ્યાં છે જેમાં કૂદીને બહાર નીકળવું મુશ્કેલ છે. સેન્ટ્રલ રેલવેના સબર્બન સેક્શનમાં આવા ૨૮૬ રૅમ્પ હતા જેમાંના ૯૦ ટકા તોડી નાખવામાં આવ્યા છે. 
રેલવેએ આપેલા આંકડા મુજબ ૨૦૨૩માં જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન પાટા ક્રૉસ કરતાં થયેલાં મૃત્યુનો આંકડો ૨૭૬ હતો જે ૨૦૨૪ના પહેલા ત્રણ મહિનામાં ઘટીને ૧૯૫ થયો છે.

સેન્ટ્રલ રેલવેમાં જ્યાં પાટા ક્રૉસ કરતાં સૌથી વધારે અકસ્માત થતા હતા એવા કુર્લા, થાણે, વડાલા અને ગોવંડી રેલવે સ્ટેશનો પર સ્ટડી હાથ ધર્યો હતો અને આ સ્ટેશનો પર પ્રવાસીઓ પાટા ક્રૉસ કરવાનું બંધ કરે એ માટે પ્લૅટફૉર્મ પરના સ્લોપ અથવા તો રૅમ્પ તોડી નાખ્યા હતા અને ત્યાં લાલ રંગનાં સેફ્ટી બૉક્સ મૂકી દીધાં હતાં.

આ મુદ્દે રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સેફટી બૉક્સ મૂકી દેવાથી મહિલા પ્રવાસી, સિનિયર સિટિઝન અને જેમની પાસે વધારે લગેજ હોય એવા પ્રવાસીઓને અસર પડી છે, કારણ કે તેઓ પ્લૅટફૉર્મ પરથી કૂદીને જઈ શકે એમ નથી. પ્લૅટફૉર્મના અંતમાં સ્લોપ હોય તો ઘણા લોકો ત્યાં પહોંચતા હતા, પણ હવે એ પણ ખોદી નાખવામાં આવ્યા છે અને બૉક્સ મૂકી દેવામાં આવ્યાં છે.’
ગયા નવેમ્બર મહિનામાં લોકો રેલવે ટ્રૅક પર કૂદે નહીં એ માટે પ્લૅટફૉર્મના અંતમાં આવતા સ્લોપ પર ગ્રીસ લગાડવાનું શરૂ કર્યું હતું. આના કારણે પ્લૅટફૉર્મ પરથી ઊતરવું મુશ્કેલ બનતું હતું. જોકે લોકોને પાટા ક્રૉસ કરતાં રોકવા માટેનો આ પ્રયાસ રેલવેના ગૅન્ગમેનો માટે રિસ્કી હતો. વળી ગ્રીસ ગરમી અને ભેજના કારણે સૂકાઈ જતું હતું અને એ રિસ્કી હતું. આના કારણે સેફ્ટી બૉક્સનો વિચાર અમલમાં લાવવામાં આવ્યો હતો.

આ એક આવકારદાયક પ્રયાસ છે, એમ જણાવીને ફેડરેશન ઑફ સબર્બન પૅસેન્જર્સ અસોસિએશનના પ્રમુખ નંદકુમાર દેશમુખે જણાવ્યું હતું કે ‘રેલવેના પ્રવાસીઓની જિંદગી બચાવવા માટેના કોઈ પણ પ્રયાસને અસોસિએશન આવકારે છે. અમારી બેઠકોમાં પણ અમે આ બાબતે ભાર મૂકીએ છીએ.’ 

mumbai news mumbai central railway train accident