08 January, 2026 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ તટકરે
સીંચાઈ કૌભાંડ વિશેની ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવાર વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધ વચ્ચે રાજ્યના NCPના વડા સુનીલ તટકરેએ બુધવારે બન્ને પક્ષ વચ્ચેના ઘર્ષણને ઓછું કરવાના પ્રયાસ કર્યા હતા અને કહ્યું હતું કે સાથીપક્ષો વચ્ચે વધુ ખેંચતાણ થશે નહીં.
સુનીલ તટકરેએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે પક્ષના વડા અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર સાથે બે વાર વાત કરી હતી અને બન્ને પક્ષ વચ્ચે કોઈ પણ પ્રકારની ટક્કર અને શબ્દયુદ્ધ ટાળવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળે સાથે પણ વાત કરી હતી. સુનીલ તટકરેએ કહ્યું હતું કે ‘હું અજિત પવાર, મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને રવીન્દ્ર ચવ્હાણ સહિતના BJPના નેતાઓ દ્વારા આપવામાં આવેલાં નિવેદનો અને એની સામે આપવામાં આવેલા પ્રત્યાઘાતો સાથે સંમત છું. ભવિષ્યમાં ગરમાગરમ શાબ્દિક ટપાટપી ટાળવા માટે મેં અજિત પવાર સાથે બે વાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રશેખર બાવનકુળે સાથે પણ વાત કરી હતી. એનો આશય મહાયુતિના સાથીપક્ષો વચ્ચેના સંબંધોને અકબંધ રાખવાનો હતો.’\
સુનીલ તટકરેએ દાવો કર્યો હતો કે મહાયુતિ ગઠબંધન રાજ્ય સ્તરે એકદમ અકબંધ છે અને ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ચૂંટણીઓ પછી યુતિના ભાગીદારો મીઠાઈઓનું આદાનપ્રદાન કરશે.
BJP દ્વારા અજિત પવાર પર ગુનાહિત બૅકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા બદલ ટીકા કરવામાં આવ્યા બાદ સંઘર્ષ વધુ તીવ્ર બન્યા પછી સુનીલ તટકરેએ મુખ્ય પ્રધાન અને મહેસૂલપ્રધાન સાથે વાતચીત કરી હતી. આ આરોપોથી દેખીતી રીતે ગુસ્સે થયેલા અજિત પવારે કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોળ પર નિશાન સાધીને અને ભૂતકાળના વિવાદોને ફરીથી ઉજાગર કરીને વળતો પ્રહાર કર્યો. ઉશ્કેરણીજનક નિવેદનમાં અજિત પવારે ટિપ્પણી કરી હતી કે હું હાલમાં એ લોકો સાથે સરકારનો ભાગ છું જેમણે એક સમયે મારા પર ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સીંચાઈ કૌભાંડના કેસનો આરોપ લગાવ્યો હતો. રાજકીય વિશ્ળેષકોએ સૂચવ્યું હતું કે આ જૂનો મુદ્દો ઉઠાવીને તેમણે અજાણતાં પોતાના પગ પર જ કુહાડી મારી દીધી હતી જે BJPને નવો દારૂગોળો પૂરો પાડશે.
BJPના મહારાષ્ટ્રના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે સ્પષ્ટપણે ટિપ્પણી કરી કે BJPને અજિત પવારને સાથે લેવાનો અફસોસ છે. મહેસૂલપ્રધાન બાવનકુળેએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને ચેતવણી આપી હતી કે જો ઇતિહાસનાં પાનાં ફેરવવામાં આવે તો અજિત પવાર અવાચક્ રહી જશે. સુનીલ તટકરે કહ્યું હતું કે આવાં નિવેદનો ટાળવા જોઈતાં હતાં. તેમણે અજિત પવારને યાદ અપાવ્યું કે સીંચાઈ કૌભાંડનો કેસ હજી પણ કોર્ટમાં પેન્ડિંગ છે. NCP સૂત્રોએ જણાવ્યું હતું કે સુનીલ તટકરેની ભૂમિકા નિગોશિએટર તરીકે કામ કરવાની રહી છે.