Ambani Women: અંબાણી કુટુંબની સ્ત્રીઓ, સફળતા અને ગરિમાનો પર્યાય

22 December, 2020 04:45 PM IST  |  Mumbai | Chirantana Bhatt

Ambani Women: અંબાણી કુટુંબની સ્ત્રીઓ, સફળતા અને ગરિમાનો પર્યાય

ભારતનાં ટોચનાં કુટુંબની વાત થાય એટલે સ્વાભાવિક રીતે જ અંબાણી પરિવારનું નામ સૌથી પહેલાં આવે. અંબાણી પરિવારને લગતી કોઇપણ વાત હોય પછી તે બિઝનેસની હોય, કૉર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબલિટીની હોય કે મોટી હોસ્પિટલ્સનાં મેનેજમેન્ટની હોય પણ અંબાણી પરિવારનું નામ પડે એટલે કંઇક મહત્વનું તો હોય જ. તાજેતરમાં માઇક્રોસોફ્ટ દ્વારા આયોજીત ફ્યુચર ડિકોડેડ સિઇઓ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે, ‘જ્યારે રિલાયન્સ સ્થપાયું ત્યારે તે એક સ્ટાર્ટ અપ જ હતું. મારા પિતા ધીરૂભાઇએ રિલાયન્સની સ્થાપના એક ટેબલ-ખુરશી અને માત્ર ૧૦૦૦ રૂપિયાથી કરી હતી, જે પાંચ દાયકા પહેલાંની વાત છે.’ ધીરૂભાઇ અંબાણીના જીવન વિષે પુસ્તકો લખાયાં છે તો તેમના જીવનને આધારે ગુરુ ફિલ્મ પણ બનાવવામાં આવી છે. પરંતુ આજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણે ઉદ્યોગકાર તેમની બીજી પેઢીનાં ઉદ્યોગકારો વિષે નહીં બલ્કે અંબાણી પરિવારની સ્ત્રીઓ વિષે વાત કરવી છે.

અમસ્તું જ નથી કહેવાયું કે, ‘જે કર ઝૂલાવે પારણું તે જગત પર શાસન કરે’. ધીરૂભાઇ હોય, મુકેશ અંબાણી હોય કે પછી અનિલ અંબાણી હોય, આ ત્રણેયનાં જીવનમાં તેમનાં માતા અને ત્યારબાદ જીવન સંગીનીઓનો ફાળો નોંધનીય છે.

કોકિલા અંબાણીઃ માતા બન્યાં મલમ

ઘરનાં વડાં કોકિલા અંબાણી મૂળ નવાનગરનાં જે હવે જામનગર તરીકે ઓળખાય છે. પાટીદાર કુટુંબમાં જન્મેલાં તથા મેટ્રિક્યુલેશન સુધીનો અભ્યાસ કરનારા કોકિલાબહેને ૨૧ વર્ષની વયે ધીરૂભાઇ સાથે લગ્ન કર્યાં. પહેલા પુત્ર મુકેશનો જન્મ થયો ત્યારે તેઓ ધીરૂભાઇ સાથે એડનમાં હતા. મુંબઇ આવ્યા પછી પુત્ર અનિલ તથા પુત્રીઓ દીપ્તિ અને નીનાનો જન્મ થયો. મુંબઇમાં તેમણે બાબુલનાથ મંદિર પાસે બે રૂમ રસોડાનાં ઘરમાં સંસાર શરૂ કર્યો. તેઓ ધીરૂભાઇની સફળતા પાછળનું એક એવું પ્રેરકબળ છે જેને શબ્દોમાં બાંધવું મુશ્કેલ છે. ૨૦૦૨માં ધીરૂભાઇ અંબાણીના નિધન પછી બંન્ને ભાઇઓ વચ્ચે મિલકત અને બિઝનેસનાં ભાગલાને લઇને વિખવાદ થયો હતો. કોકિલાબહેન અંબાણીએ બંન્ને ભાઇઓ વચ્ચે શાંતિપૂર્વક રીતે સંવાદ સધાય અને યોગ્ય રીતે રિલાયન્સના વિવિધ ઉદ્યોગોનાં ભાગ પડે તેની પુરી તકેદારી રાખી.

 

કોકિલાબહેને જ વચ્ચે પડીને દીકરા મુકેશને ઓઇલ અને કેમિકલ બિઝનેસ સંભાળવા કહ્યું હતું અને નાના દીકરાને ટેલિકૉમ અને ઇલેક્ટ્રિસિટી બિઝનેસ સંભાળવા આપ્યા હતા. બંન્ને ભાઇઓ વચ્ચે કડવાશ વર્તાયા કરતી હતી. એક સમયે અનિલે અંબાણીએ મોટાભાઇ સામે ૧૦ કરોડનો માનહાનિનો દાવો પણ માંડ્યો હતો. લગભગ સાતેક વર્ષ સુધી આ બંન્ને ભાઇઓ વચ્ચે સંબંધો તંગ રહ્યા પણ સાતેક વર્ષ બાદ અને માતા કોકિલાબહેનનું એક મલમ માફક કામ કરવું સંબંધોને ધીરે ધીરે સુધારતું રહ્યું. મુકેશ અંબાણીનાં સંતાનો ઇશા અને આકાશનાં લગ્ન પ્રસંગે બંન્ને પરિવારોનો મેળ નજરે ચઢ્યો હતો.

વળી થોડા વખત પહેલા એરિક્સનને અનિલ અંબાણીએ તગડી રકમ ચુકવવી પડે તેમ હતું અને એમ ન થાત તો કદાચ જેલ જવાની નોબત પણ આવત. કહેવાય છે કે આ સમયે પણ માતા કોકિલાબહેને બંન્ને ભાઇઓ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી. અંબાણી કુટુંબના નામને ઠેસ ન પહોંચે તે રીતે ચાર અઠવાડિયા સુધી ચર્ચાઓ ચાલી અને અંતે મોટાભાઇ મુકેશ અંબાણીએ નાનાભાઇ અનિલની વહારે ધાવાનો નિર્ણય લીધો. મુકેશ અંબાણીએ ૫૦૦ કરોડ ચુકવીને ભાઇને મોટી મુશ્કેલીમાંથી બચાવી લીધા. આ પછી અનિલ અંબાણીએ જાહેરમાં મોટાભાઇનો આભાર માન્યો હતો અને કૌટુંબિક મૂલ્યોની વાત પણ કરી હતી. મૃદુ પ્રતિભા ધરાવતાં કોકિલાબહેન જાહેર કાર્યક્રમોમાં મોટેભાગે ગુલાબી રંગની સાડીમાં દેખાતા હોય છે, તેમને મુસાફરી કરવાનું અને સંગીત સાંભળવાનું, ગાવાનું તથા વાંચવાનું ગમે છે. તેઓ દ્વારકાધિશનાં ભક્ત છે.

નીતા અંબાણીઃ શિસ્તનાં આગ્રહી, નિર્ણયશક્તિમાં અગ્રણી

અંબાણી પરિવારનાં મોટા વહુ નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરમેન છે. એક સમયે પડદા પાછળ રહીને કામ કરનાર નીતા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંભાળાતી કૉર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબલિટીની ઓળખ બની ચૂક્યાં છે.

૧૯૮૩માં નરસી મોનજી કૉલેજમાંથી બી.કોમમમાં ગ્રેજ્યુએશન કરનારા નીતા અંબાણી બહુ જ સારા ભારતનાટ્યમ ડાન્સર છે. એક નૃત્યનાં કાર્યક્રમમાં તેમનાં પરફોર્મન્સ બાદ ધીરૂભાઇએ તેમની સાથે વાત કરી અને નિર્ણય કર્યો કે તેઓ મોટા દીકરાં મુકેશના લગ્ન આ જ યુવતી સાથે કરાવશે. એક સમયે તેઓ એક નર્સરી સ્કૂલમાં ભણાવતા હતા અને કહેવાય છે કે જ્યારે જામનગર રિફાઇનરી ખડી કરવાનો વખત આવ્યો ત્યારે તેઓ મુકેશ અંબાણી સાથે અઠવાડિયે બે વાર જામનગર જતાં અને ટાઉનશીપ સહિતનાં પ્લાનિંગમાં તેમનો મોટો ફાળો છે. તેમણે જલદી જ શિક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું.

 

સામાજિક ઉત્થાનનાં કાર્યોમાં વધુને વધુ કામ કરતાં નીતા અંબાણી ગુજરાતમાં આવેલા ભૂકંપ પછી દ્રવી ઉઠ્યા હતા. જ્યારે મુકેશ અંબાણીએ ટેલિકોમ સેક્ટર તરફ ડગલા માંડ્યા ત્યારે નીતા અંબાણીએ નવી મુંબઇના વિશાળ કેમ્પસનાં પ્લાનિંગની જવાબદારી ઉપાડી. રોજ કામનાં લાંબા કલાકો ઉપરાંત તેઓ રોજ એકવાર ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જાય છે. વળી, HN રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલનાં સીઇઓ તરીકે પણ તેઓ ફરજ બજાવે છે. આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ પણ નીતા અંબાણીનાં સ્પોર્ટ્સમાં રસને કારણે એક મહત્વનાં સ્થાને પહોંચી છે. તેમણે તાજેતરમાં જ વિધાન કર્યું છે કે તેઓ બાળકોને શિક્ષણ અને ખેલ-કૂદમાં જેટલી સહાય કરી શકે તેટલી કરવા ધારે છે અને એ ક્ષેત્રમાં વધુ કામ કરવા માગે છે. જે રીતે મુકેશ અંબાણી દરેક ક્ષેત્રમાં પોતાનો સિક્કો જમાવતા રહે છે બિલકુલ તે જ રીતે નીતા અંબાણીએ પણ શક્ય એટલા ક્ષેત્રોમાં પોતાના મિડાસ ટચની કમાલ દર્શાવી છે. ગયા વર્ષે તે ન્યુયોર્કનાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટનાં ટ્રસ્ટી તરીકે ચૂંટાયા છે, આ પદ મેળવનારા તે પહેલાં ભારતીય છે.

સ્ટાઇલ, ગ્રેસ, ભવ્યતા બધાને મામલે નીતા અંબાણી વખતોવખત પોતાના કરતાં જ બહેતર દેખાવ કરતા રહ્યા છે. ત્રણ સંતાનોનાં ગર્વિષ્ઠ માતા નીતા અંબાણીને ૨૩ વર્ષની વયે ડૉક્ટરે એમ કહ્યું હતું કે તેમને બાળકો નહીં થઇ શકે જો કે સાત વર્ષ પછી તેમણે પહેલા જોડિયા બાળકો આકાશ અને ઇશાને જન્મ આપ્યો અને પછી ૧૯૯૫માં દીકરા અનંતનો જન્મ થયો. વળી એક મા તરીકે તેમણે પોતના દીકરા આકાશના સ્વાસ્થ્યની વાત આવી ત્યારે તેમણે દીકરા માટે પ્રેરણારૂપ બનીને ફિટનેસનો માર્ગ લીધો અને દીકરા આકાશને પણ શારીરિક સ્વસ્થતા તરફ વાળ્યો. તેઓ શિસ્તના આગ્રહી પણ પ્રેમાળ મા છે.

ટીના અંબાણીઃ કલા, વ્યવસ્થાશક્તિ અને ઉષ્માનો પર્યાય

અંબાણી પરિવારનાં નાના વહુ ટીના અંબાણી આ ઘરમાં પરણીને આવ્યા તે પહેલાં તે એક બહુ જ સફળ અભિનેત્રી હતા. ટીના મુનીમનું નામ દેવાનંદની દેસ-પરદેસ ફિલ્મથી લોકોએ જાણ્યું અને પછી તો તેમના ગ્લેમરસ અવતારથી માંડીને નિર્દોષ ચહેરાના ચાહકો વધતા જ ચાલ્યા. ૧૯૭૫ની સાલમાં ફેમિના ટીન પ્રિન્સેસ બનેલા ટીના મુનીમ એક લગ્નમાં અનિલ અંબાણીને મળ્યાં જો કે અનિલ અંબાણી લગ્નમાં કાળી સાડી પહેરીનેને આવેલા આ અભિનેત્રીની પર્સનાલિટીથી પ્રભાવિત થયા પણ ટીના મુનિમે આ વાતની નોંધ ન લીધી.

 

કહેવાય છે કે કોઇના દ્વારા અનિલ અંબાણીએ તેમની સાથે બહાર જઇ શકાય તે માટે પુછાવ્યું પણ અભિનેત્રીએ ત્યારે આ પ્રસ્વાવને ઠુકરાવ્યો હતો. સિમી ગરેવાલનાં શોમાં ટીના અંબાણીએ કહ્યું હતું કે અનેકવાર ટાળ્યા પછી જ્યારે તે પહેલીવાર અનિલ અંબાણીને મળ્યા ત્યારે તેમની સાદગી, સ્પષ્ટતાથી વાત કરવાની ટેવ અને પ્રામાણિક વહેવાર તેમને સ્પર્શી ગયા હતા. ગુજરાતીમાં વાત કરતા બંન્ને જણ વચ્ચે પ્રેમ પાંગર્યો. પારંપરિક માન્યતા ધરાવતા અંબાણી પરિવારને શરૂઆતમાં તો આ સંબધ માન્ય નહોતો અને અથાક પ્રયત્નો પછી જ્યારે વડીલો ટસનાં મસ ન થયા ત્યારે અનિલ અને ટીનાએ એકબીજા સાથે ચાર વર્ષ સુધી વાત નહોતી કરી. ટીના મુનીમ ફિલ્મનાં પ્રોજેક્ટ પુરા કરી અમેરિકા ભણવા ગયા. LAમાં ભૂકંપનાં સમાચાર આવ્યા અને અનિલ અંબાણીએ ટીના મુનિમ સ્વસ્થ છે કે કેમ તે જાણવા ફોન કર્યો. જવાબ મળતાં જ તેમણે ફોન મુકી દીધો. ટીના અંબાણીએ ઇન્ટરવ્યુમાં કહ્યા અનુસાર પોતે બહુ અપસેટ હતા અને રડ્યા પણ હતા કારણકે એક વ્યક્તિ જેને તેમની ફિકર છે તે માંડીને તેમની સાથે વાત સુદ્ધાં નથી કરતી. આ તરફ અનીલ અંબાણી દરેક માંગાને ના કહી રહ્યા હતા, અંતે પરિવારે નમતું જોખ્યું અને ટીના ક્યારે LAથી પાછા આવશે તેની પુછ પરછ ચાલુ થઇ.

 

ટીના મુનીમને કોઇ ખાતરી નહોતી કે શું થશે એટલે તેમણે પાછા આવવામાં વિલંબ કર્યો. છ અઠવાડિયા સુધી ‘નેક્સ્ટ વીક’નાં બહાના ચાલ્યા પણ અંતે ટીના મુનીમ ભારત આવ્યાં. તે પાછા આવ્યા તે પહેલાં અનિલ અંબાણીએ પાકા બિઝનેસપર્સનની માફક વાલીઓને મળવાની તારીખ, સગાઇ-લગ્નની તારીખ અને સ્થળ બધું જ નક્કી કરી રાખ્યું હતું. તેમણે ટીના મુનીમનાં ખારનાં ઘરે જઇને તેમની મમ્મીને જ લગ્નની વાત કરી હતી. અંતે આ પ્રેમીઓનાં લગ્ન થયા. ટીના અંબાણી બન્યા પછી અભિનેત્રીએ ગ્લેમર વિશ્વ સાથેનો સંબંધ તો ત્યજી જ દીધો પણ કામ કરવાનું બંધ ન કર્યું. હાર્મની આર્ટ દ્વારા ભારતીય કલા વિશ્વનાં કલાકારોની કૃતિઓને લોકો સુધી પહોંચાડવાથી માંડીને તેમને પ્રોત્સાહન આપવાનું તેમણે શરૂ કર્યું. કોકિલાબહેન ધીરૂભાઇ અંબાણી હૉસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનાં ચેરપર્સન તરીકે ટીના અંબાણીએ રાતદિવસ એક કરીને કામ કર્યું છે. તેઓ રોજ દોઢસોથી વધુ ડૉક્ટર્સ સાથે ઇન્ટરેક્ટ કરે છે. અન્ય શહેરોમાં હૉસ્પિટલની શાખાઓ, કેન્સર જેવી જટિલ બિમારીઓ માટેનાં હેલ્થ સેન્ટર્સ, ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્યને લગતી સવલતો જેવાં અનેક કાર્યો આ હૉસ્પિટલનાં નેજા હેઠળ થાય છે. તાજેતરમાં જ હાર્ટ હેલ્થ માટેનું વિશેષ સેન્ટર પણ હૉસ્પિટલ દ્વારા શરૂ કરાયું છે. તેઓ હાર્મની સિલ્વર્સ ફાઉન્ડેશન પણ સંભાળે છે જે વૃદ્ધો માટે ચાલતી સંસ્થા છે.

ટીના અંબાણી મીડિયા સાથે વાત કરવાનું ટાળે છે પણ જ્યારે પણ એવા મોકા આવે છે ત્યારે તેઓ બહુ સ્પષ્ટતાથી દિલ ખોલીને વાત કરવાનું પસંદ કરે છે. તેઓ જય અંશુલ અને જય અનમોલ અંબાણીનાં માં છે અને તેઓ પોતાના દીકરાઓ સાથે બધી જ વાતો શેર કરવાનું પસંદ કરે છે. તેમને તેમના સાસુ કોકિલાબહેન માટે બહુ જ પ્રેમ છે અને તાજેતરમાં જ તેમના જન્મદિવસ નિમત્તે યોજાયેલા ભાગવત સપ્તાહ દરમિયાન તેમણે ઇન્સ્ટાગ્રામ પર બહુ ઉમળકાભેર તેમને પ્રેરણાબળ ગણાવતી પોસ્ટ શેર કરી હતી.

અંબાણી પરિવારનાં આ ત્રણેય ચહેરા આ કુટંબની ઓળખાણની ધાર કાઢતા રહે છે. કુટુંબનું નામ સતત તેનું સ્થાન જાળવે, પરંપરાઓ, સંસ્કાર અને મૂલ્યો સચવાય તે જ આ દરેકની એષણા છે જે તેમની જીવનશૈલીમાં અને વહેવારમાં સ્પષ્ટ વર્તાઇ આવે છે.

mumbai news womens day international womens day nita ambani tina ambani kokilaben dhirubhai ambani hospital