જ્યાં વિજયના માર્જિન કરતાં NOTAના મત વધારે હતા

18 January, 2026 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૨૭માંથી પાંચ વૉર્ડમાં વિજયી બનેલા ઉમેદવારો અને રનરઅપ આવેલા ઉમેદવારોને મળેલા મતના તફાવત કરતાં NOTAના મત વધુ હતા

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની અમુક બેઠકોનાં પરિણામોમાં નન ઑફ ધ અબોવ (NOTA) વોટિંગની ભૂમિકા મહત્ત્વની રહી હતી. ૨૨૭માંથી પાંચ વૉર્ડમાં વિજયી બનેલા ઉમેદવારો અને રનરઅપ આવેલા ઉમેદવારોને મળેલા મતના તફાવત કરતાં NOTAના મત વધુ હતા. આ કિસ્સાઓમાં જીતનું માર્જિન ઓછું હતું જેના કારણે વિજેતા ઉમેદવાર નક્કી કરવામાં NOTAની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની. પાંચ વૉર્ડમાં ધારો કે NOTAની સંખ્યા રનરઅપ આવેલા ઉમેદવારના પક્ષમાં હોત તો આ ઉમેદવારના વિજયી બનવાની તક વધી જાત.

વૉર્ડ-નંબર ૯૯માં BJPના જિતેન્દ્ર રાઉતના ૧૧,૨૧૯ મત સામે  શિવસેના (UBT)ના ચિંતામણિ નિવાટેને ૧૧,૫૩૮ મત મળ્યા હતા. જીત માટે ૩૧૯ મતનું માર્જિન રહ્યું હતું જ્યારે NOTAમાં ૩૫૬ મત પડ્યા હતા.

વૉર્ડ-નંબર ૧૦૬માં BJPના પ્રભાકર શિંદે અને રનરઅપ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સત્યવાન દળવી વચ્ચે ૧૬૪ મતનું જ માર્જિન રહ્યું હતું. પ્રભાકર શિંદેને ૧૧,૮૯૭ અને સત્યવાન દળવીને ૧૧,૭૩૩ મત મળ્યા હતા. અહીં ૬૧૦ મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો હતો.

વૉર્ડ-નંબર ૧૨૮માં MNSના સનિલ શિર્કેને ૧૨,૮૩૧ મત અને શિવસેનાનાં અશ્વિની હાંડેને ૧૨,૬૭૩ મત મળ્યા હતા. જીતના માર્જિનની સંખ્યા ૧૫૮ હતી જ્યારે NOTAની સંખ્યા ૬૨૧ હતી.

વૉર્ડ-નંબર ૧૯૧માં શિવસેના (UBT)નાં વિશાખા રાઉતને ૧૩,૨૩૬ મત મળ્યા હતા. રનરઅપ રહ્યાં હતાં શિવસેનાના પ્રિયા ગુરવ ૧૩,૦૩૯ મત સાથે. તેમની વચ્ચે જીતના માર્જિનની સંખ્યા ૧૯૭ રહી હતી. જ્યારે NOTA મતની સંખ્યા ૭૭૨ હતી.

વૉર્ડ-નંબર ૨૨૦માં શિવસેના (UBT)નાં સંપદા મયેકરને ૬૯૩૬ મત અને BJPનાં દીપાલી માલુસરેને ૬૭૪૮ મત મળ્યા હતા. તેમની વચ્ચે ૧૮૮ મતનું માર્જિન રહ્યું હતું જ્યારે NOTAના ૨૭૮ મત પડ્યા હતા.

mumbai news mumbai bharatiya janata party congress shiv sena political news bmc election municipal elections