IIT-બૉમ્બેની હૉસ્ટેલની કૅન્ટીનમાં પણ લોલમલોલ?

08 August, 2026 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પવઈમાં આવેલી આ પ્રતિ​િષ્ઠત ઇન્સ્ટિટ્યૂટની હૉસ્ટેલની બે કૅન્ટીન ફૂડ-લાઇસન્સ વગર ચાલી રહી હતી, FDAએ બંધ કરાવી; ત્રીજી કૅન્ટીનને સુધારા કરવાની સૂચના

IIT-બૉમ્બેની હૉસ્ટેલની કૅન્ટીનની FDAએ જાહેર કરેલી તસવીર

પવઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના ઇન્સ્પેક્શનમાં સ્વચ્છતા અને લાઇસન્સિંગના ગંભીર ઉલ્લંઘનો બહાર આવ્યા બાદ મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‍મિનિસ્ટ્રેશન (FDA)એ એની બે કૅન્ટીન બંધ કરાવી હતી. એની સાથે જ નવી મુંબઈમાં ખાણી-પીણીની દુકાનો અને રાજ્યના કેટલાક ભાગોમાં અન્ય ખાદ્ય વ્યવસાયોની ચકાસણી કરીને એમના પર કાર્યવાહી કરવામાં આવી હતી.

ફરિયાદો બાદ FDAના અધિકારીઓએ મુંબઈના પવઈ વિસ્તારમાં IIT-બૉમ્બેમાં ૩ હૉસ્ટેલની કૅન્ટીનનું ઇન્સ્પેક્શન કર્યું હતું. એમાં બે કૅન્ટીન ફરજિયાત ફૂડ-લાઇસન્સ અથવા ખાદ્ય સુરક્ષા નિયમો હેઠળ નોંધણી વિના કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું. હૉસ્ટેલ-નંબર એક અને હૉસ્ટેલ-નંબર ત્રણની કૅન્ટીન  ફરજિયાત ફૂડ-લાઇસન્સ/નોંધણી વિના કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું અને પાલનની આવશ્યકતાઓ પૂરી ન થાય ત્યાં સુધી એમને બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અન્નપૂર્ણા કેટરિંગ સર્વિસિસ દ્વારા સંચાલિત ત્રીજી કૅન્ટીન પાસે માન્ય લાઇસન્સ હતું, પરંતુ ઇન્સ્પેક્શન દરમ્યાન મળી આવેલી ખામીઓ માટે એને સુધારણા કરવાની સૂચના આપવામાં આવી હતી.

મુંબઈમાં ૪ ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં

FDAના મુંબઈ વિભાગે ચોથીથી છઠ્ઠી ઑગસ્ટ દરમ્યાન ૧૦ ફૂડ એસ્ટૅબ્લિશમેન્ટનું ઇન્સ્પેક્શન કર્યું હતું. ગંભીર ઉલ્લંઘનોને કારણે ૪ એસ્ટૅબ્લિશમેન્ટનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં, પાંચને સ્ટૉપ બિઝનેસ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી અને એકને સુધારાની નોટિસ આપવામાં આવી હતી. લાઇસન્સ સસ્પેન્શનનો સામનો કરી રહેલી ઈટરીઝમાં દાદરની ઈટ નીનો પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે જ્યાં FDAને સ્વચ્છતા સંબંધિત અનેક ઉલ્લંઘનો જોવા મળ્યાં હતાં. અસ્વચ્છતા, માખીઓની હાજરી, ખોરાક સંભાળનારાઓની નબળી વ્યક્તિગત સ્વચ્છતા, અપૂરતી સફાઈ અને સૅનિટાઇઝેશન પ્રથાઓ અને ફરજિયાત ખોરાક અને પીવાના પાણીના પરીક્ષણ માટેના રેકૉર્ડનો અભાવ બહાર આવ્યાં હતાં. હોટેલમાં તાલીમ અને સ્ટાફના તબીબી રેકૉર્ડનો પણ અભાવ હતો અને એ ગુડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસ (GMP) અને ગુડ હાઇજીન પ્રૅક્ટિસ (GHP)નું પાલન ન કરતી હોવાનું જાણવા મળ્યું હતું.

અંધેરીના જય મા કાલી ઢાબા પરની તપાસમાં ગંભીર સ્વચ્છતાની સમસ્યાઓની જાણ થઈ હતી. એમાં શૌચાલય વિસ્તારની નજીક ખોરાકનો સંગ્રહ, કાટ લાગેલી અને ક્ષતિગ્રસ્ત સ્ટોરેજ રૅક્સ, અસ્વચ્છ રસોડું અને માખીઓવાળી ખુલ્લી કણકનો સમાવેશ થાય છે.

FDAએ રસોડા અને સ્ટોરેજ વિસ્તારોમાં વાંદાનો ઉપદ્રવ શોધી કાઢ્યા બાદ સાંતાક્રુઝમાં એ. જે. હૉસ્પિટૅલિટી (હાઉસ ઑફ મહારાષ્ટ્ર)નું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું. અધિકારીઓએ 
નૉન-ફૂડ-ગ્રેડ પૅકેજિંગ મટીરિયલનો ઉપયોગ, ફૂડ-પૅકિંગ માટે અખબારોનો ઉપયોગ, જંતુ નિયંત્રણ રેકૉર્ડનો અભાવ, સ્ટોરેજ એરિયામાં રંગ નીકળેલી છત અને કાટ લાગેલાં રસોઈનાં સાધનોની પણ નોંધ લીધી હતી.

iit bombay powai food and drug administration Mumbai mumbai news