કે. રુસ્તમ આઇસક્રીમવાળા હાલ તો ‘મેલ્ટ’ નહીં થાય

17 May, 2022 08:22 AM IST  |  Mumbai | Hemal Ashar

ચર્ચગેટના આ આઇકૉનિક આઇસક્રીમવાળા સીસીઆઇ સામે કેસ હારી ગયા છે, જુસ્સો નથી હાર્યા, તકલીફમાં છે, પણ લડી લેવાના : બંધ થઈ જશે એવી અફવાને લીધે મુંબઈકરોનો ધસારો, પણ હાલ એવું કાંઈ નહીં થાય

ચર્ચગેટમાં કે. રુસ્તમ

મુંબઈમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો ઊંચો ચડી રહ્યો છે એવામાં ચર્ચગેટસ્થિત આઇકૉનિક આઇસક્રીમ આઉટપોસ્ટ કે. રુસ્તમ ઍન્ડ કંપની હાલ તો આઇસક્રીમની જેમ ઓગળવા જેવો અનુભવ કરી રહી છે. વાસ્તવમાં લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં હાલમાં કે. રુસ્તમ ઍન્ડ કંપનીનો  સ્ટોર એના મકાનમાલિક ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (સીસીઆઇ) સામે સ્મૉલ કૉઝ કોર્ટમાં કેસ હારી ગયો છે.  

આ સમાચારને પગલે આઇસક્રીમ સ્ટોર બંધ થવાની ચર્ચાને વેગ મળ્યો છે. કેટલાક તો મુંબઈકરોને રુસ્તમ ખાતે તમારો છેલ્લો આઇસક્રીમ ખાવાની રીતસર જાણે વિનંતી કરે છે. જોકે  આઇસક્રીમ સ્ટોરના પ્રવક્તાએ આ પ્રકારની અફવાઓમાં વિશ્વાસ ન કરવા જણાવતાં કંપની લાંબી કાનૂની લડત માટે સજ્જ થઈ રહી છે એમ જણાવ્યું હતું.

તકરાર શું છે?
સીસીઆઇના પ્રમુખ પ્રેમલ ઉદાણીએ તકરાર વિશે વિગતે જણાવતાં કહ્યું હતું કે ‘ક્લબનો ભાગ એવા સ્ટેડિયમ હાઉસની અંદર આવેલી દુકાનો પોતાના ઉપયોગ માટે લેવા છેલ્લા કેટલાક સમયથી ભાડૂતો સામે કેસ ચાલી રહ્યો છે. આઇસક્રીમ સ્ટોર પણ આવો જ એક સ્ટોર છે. વધુ વિગતો જાહેર ન કરતાં અમારે એટલું જ કહેવાનું છે કે ચુકાદો અમારી તરફેણમાં આવ્યો છે. અમારી ક્લબના સભ્યોની સંખ્યા લભગ ૧૦,૦૦૦ જેટલી થતાં તેમના માટે કેટલીક સુવિધા વિકસાવવા માગતા હોઈ વધુ જગ્યાની આવશ્યકતા છે.’  

આઇસક્રીમ શૉપના પ્રવક્તાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ‘તેઓ ભયંકર મુશ્કેલીમાં છે. ક્લબ તેમને બહાર કાઢવા માગે છે. કાનૂની લડત છેલ્લાં ૨૨ વર્ષોથી ચાલી રહી છે અને અમે લડત ચાલુ રાખવાના હોવાથી શૉપ બંધ કરવાનો સવાલ જ નથી આવતો. આઇસક્રીમ સ્ટોરના પ્રતિનિધિએ કહ્યું હતું કે તેઓ અહીં ૧૯૩૮થી છે અને કદાચ તેઓ જ સ્ટેડિયમ હાઉસના સૌથી જૂના અને `મૂળ` ભાડૂતો છે. જો જનતાની લાગણીને બૅરોમીટર ગણવામાં આવે તો અમે કેસ હારી ગયા છીએ એ જાણીને ઘણા મુંબઈગરાને આંચકો લાગ્યો છે પરંતુ શૉપ બંધ નથી થવાની એ જાણીને રાહતની લાગણી પણ અનુભવાઈ છે.’  

mumbai mumbai news churchgate ms hemal ashar