ભારતમાં થતા રોડ-ઍક્સિડન્ટ્સની સંખ્યાને કારણે વિદેશમાં મારે મોઢું છુપાવવું પડે છે

13 December, 2024 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું...

ગઈ કાલે લોકસભામાં બોલતા નીતિન ગડકરી.

કહ્યું કે દેશમાં વર્ષે ૧.૭૮ લાખ લોકો માર્ગ-અકસ્માતોમાં મૃત્યુ પામે છે અને એમાંથી ૬૦ ટકા ૧૮ થી ૩૪ વર્ષના લોકો હોય છે

કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે કહ્યું હતું કે સમાજનો સહયોગ, આપણો માનવીય વ્યવહાર અને ડ્રાઇવરોની વર્તણૂકમાં સુધારો નહીં થાય ત્યાં સુધી ભારતમાં રોડ પરના અકસ્માતમાં ઘટાડો નહીં થાય. રોડ-અકસ્માતના વધુપડતા મામલાને લીધે ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સમાં જાઉં છું ત્યારે મારે મોઢું છુપાવવું પડે છે એમ જણાવતાં લોકસભામાં પ્રશ્નકાળ દરમ્યાન પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગઈ કાલે નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘તમામ પ્રકારના પ્રયાસ કરવા છતાં ભારતમાં રસ્તાના અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. દર વર્ષે ૧.૭૮ લાખ લોકો અકસ્માતોમાં મૃત્યુ પામે છે. આમાં ૬૦ ટકા લોકો ૧૮થી ૩૪ વર્ષની વયના હોય છે. એક વર્ષમાં આટલા બધા લોકો કોઈ યુદ્ધ કે કોવિડ જેવી મહામારીમાં પણ જીવ નથી ગુમાવતા. આપણા દેશનો રોડ-અકસ્માતનો આ રેકૉર્ડ એટલો બધો ખરાબ છે જેને લીધે વિદેશના કાર્યક્રમોમાં હું શરમજનક સ્થિતિમાં મુકાઈ જાઉં છું. મારું માનવું છે કે ડ્રાઇવરની સાથે લોકોમાં કાયદાનો ડર નહીં રહે ત્યાં સુધી રસ્તાના અકસ્માત પર નિયંત્રણ નહીં લાવી શકાય.’

mumbai news mumbai midday nitin gadkari maharashtra state road transport corporation road accident