03 September, 2024 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ ખડસે
ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં ગયેલા મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેનો ગઈ કાલે જન્મદિવસ હતો. જળગાવમાં તેમને શુભેચ્છા આપવા માટે અનેક લોકો પહોંચ્યા હતા, એમાં કેટલાક પત્રકાર પણ હતા. BJPમાં જોડાવા વિશે પૂછવામાં આવતાં એકનાથ ખડસેએ કહ્યું હતું કે ‘BJPમાં વિધિવત સામેલ કરવા માટે મેં વિનંતી કરી હતી. જોકે BJP તરફથી મને પૂરો પ્રતિસાદ નથી મળ્યો એટલે હું આજેય નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)નો વિધાનસભ્ય છું. શરદ પવારે પણ મને રાજીનામું આપવાની ના પાડી છે. હજી થોડો સમય રાહ જોઈશ પછી હું (NCP-શરદચંદ્ર પવાર) પાર્ટીમાં સક્રિય થઈશ. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં દિલ્હીમાં મારો BJPમાં પ્રવેશ થયો હતો. જોકે આ પ્રવેશની જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી.’
BJPના મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે એકનાથ ખડસેના પક્ષપ્રવેશ વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘એકનાથ ખડસેએ આજે શું કહ્યું છે એની મને ખબર નથી. આજે તેમનો જન્મદિવસ છે. તેમને મારી ખૂબ-ખૂબ શુભેચ્છા. લોકસભાની ચૂંટણીમાં તેમણે રક્ષા ખડસેને ચૂંટવા માટે અમને મદદ કરી હતી. આવી મદદ તેઓ ભવિષ્યમાં પણ કરશે. તેઓ BJP સાથે રહેશે એવો વિશ્વાસ છે.’
એકનાથ ખડસેને ફરી BJPમાં સામેલ કરવા સામે જળગાવના કાર્યકરો, પદાધિકારી અને નેતાઓએ વાંધો લીધો છે. આથી તેમના પક્ષપ્રવેશની કોઈ સત્તાવાર જાહેરાત ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.