પતિએ પત્નીનો સ્નાન કરતો વિડિયો ઉતારીને વૉટ્સઍપ સ્ટેટસ પર મૂક્યો

15 January, 2022 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઉપરાંત પોલીસે દહેજ માટે પજવણી કરવા બદલ પતિ સહિત કુલ આઠ વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ઘરે પાછા ફરવાનો ઇનકાર કરનારી પત્નીનો સ્નાન કરતો વિડિયો ઉતારીને એને પોતાના વૉટ્સઍપ સ્ટેટસ પર મૂકનારા ૩૦ વર્ષના પતિ સામે કુરાર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે દહેજ માટે પજવણી કરવા બદલ પતિ સહિત કુલ આઠ વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કુરાર ગામની ૨૮ વર્ષની યુવતીનાં ૨૦૧૫માં ભિવંડીના યુવક સાથે લગ્ન થયાં હતાં અને દંપતીને જોડિયાં બાળકો થયાં હતાં. લગ્ન પાછળ યુવતીના પિતાએ ૧૨ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને પાંચ લાખ રૂપિયાનાં આભૂષણો તથા અન્ય ઘરવખરી આપી હોવા છતાં સાસરિયાં યુવતીને દહેજ માટે પરેશાન કરતાં હતાં. સાસરિયાંની પજવણીથી ત્રાસીને યુવતી બે-ત્રણ વખત ઘર છોડીને કુરારમાં માતા-પિતા સાથે રહેવા આવી ગઈ હતી. તેણે સાસરિયાં વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ પણ કર્યો હતો. જોકે પતિએ તેને કેસ પાછો ખેંચી લેવા સમજાવી હતી.’
યુવતીના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે જાન્યુઆરીમાં પતિ-પત્ની થાણેમાં સાથે રહેતાં હતાં ત્યારે તેના પતિએ તેનો સ્નાન કરતો વિડિયો રેકૉર્ડ કર્યો હતો અને થોડા મહિના અગાઉ તે ઘર છોડીને જતી રહી ત્યારે તેના પતિએ ઘણી વખત ઘરે પાછી ન ફરી તો વિડિયો જાહેર કરી દેવાની ધમકી આપી હતી. ગયા અઠવાડિયે તે યુવતીની બહેને પોતાના બનેવીના વૉટ્સઍપ સ્ટેટસ પર પોતાની બહેનનો સ્નાન કરતો વિડિયો જોતાં તેણે તેની બહેનને આ વિશે જાણ કરી હતી. યુવતીએ પરિવારજનોની સલાહ લઈને પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

mumbai mumbai news Crime News bhiwandi