20 December, 2025 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વર્લ્ડ હિન્દુ ઇકૉનૉમિક ફોરમમાં ભાષણ આપતા દેવેન્દ્ર ફડણવીસ
ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં વર્લ્ડ હિન્દુ ઇકૉનૉમિક ફોરમની બે દિવસની કૉન્ફરન્સની શરૂઆત થઈ હતી. આ કૉન્ફરન્સમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હિન્દુ ધર્મ ફક્ત પૂજાવિધિઓ પૂરતો સીમિત નથી, એક વ્યાપક વ્યવસ્થા છે. આ વ્યવસ્થા એક સભ્યતાને જીવંત રાખે છે. દુનિયાએ હજારો વર્ષો સુધી એવી ઘણીબધી સંસ્કૃતિ-સભ્યતા જોઈ જેનો વિકાસ થયો અને પછી એ સંસ્કૃતિઓ નાશ પણ પામી. બહુ ઓછી સભ્યતા એવી છે જે સમયના લાંબા પ્રવાહમાં ટકી શકી. ભારત એવી જ એક સભ્યતા છે જે અવિરત વિકાસ કરી રહી છે. આપણે ૧૦,૦૦૦ વર્ષ કરતાં વધુ સમયથી એક સભ્યતા સાથે જીવીએ છીએ. એના હવે તો પાકા પુરાવા છે.’
મુખ્ય પ્રધાને નવી મુંબઈમાં ૫૪ ફ્લોરના આફ્રિકન સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી અને એ સેન્ટરમાં દરેક માળ પર આફ્રિકાના દરેક દેશ માટેની એક ઑફિસ હશે એમ કહીને જણાવ્યું હતું કે ‘ભવિષ્ય માટે આફ્રિકા ખૂબ મહત્ત્વનું છે. ભારત સાથે આફ્રિકાના ઘણા દેશોનો સંબંધ બહુ જૂનો છે. દુનિયા આજે ચીન પર વિશ્વાસ નથી કરી રહી, પણ કોઈ દેશ ભારતથી નથી ડરતા, કારણ કે તેઓ જાણે છે કે ભારત સહઅસ્તિત્વમાં માને છે. પાપુઆ ન્યુ ગિનીનું ઉદાહરણ આપું. તેમનું એક ડેલિગેશન મને મળવા આવ્યું હતું ત્યારે તેમણે મને કહ્યું હતું કે અમારાં ગૅસ ફીલ્ડ્સ પર ઑસ્ટ્રેલિયા કામ કરે છે, પણ અમે ઇચ્છીએ છીએ કે ભારત અહીં આવે; કારણ કે ઑસ્ટ્રેલિયા અમને સમાન ટ્રીટમેન્ટ નથી આપતું, ચીન પર અમને ભરોસો નથી, અમને ભારત પર ભરોસો છે. વિશ્વના દેશોને ભારત પર આ વિશ્વાસ ક્યાંથી આવ્યો? આ ભરોસો હિન્દુ ઇથોઝમાંથી આવ્યો છે, હિન્દુ સંસ્કૃતિના સિદ્ધાંતોમાંથી આવ્યો છે. આપણે ક્યારેય કોઈ દેશ પર આક્રમણ નથી કર્યું, પણ આપણા વિચારો અને ફિલોસૉફીથી વિશ્વને આપણું પોતાનું કર્યું છે.’
૨૦૧૨થી સ્વામી વિજ્ઞાનાનંદ દ્વારા શરૂ કરવામાં આવેલી વર્લ્ડ હિન્દુ ઇકૉનૉમિક ફોરમ (WHEF) હિન્દુ બિઝનેસમેનો, ઑન્ટ્રપ્રનર્સ, પ્રોફેશનલ્સ અને લીડર્સને એકસાથે લાવવા માટેનું એક ગ્લોબલ પ્લૅટફૉર્મ છે. આ ફોરમનો હેતુ હિન્દુ સંસ્કૃતિનાં મૂલ્યો પર આધારિત આર્થિક સહયોગ, બિઝનેસ અને પ્રોફેશનલ પ્રૅક્ટિસને પ્રોત્સાહન આપવાનો છે.
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે હાલમાં જ સાતારા પાસે એક મેકશિફ્ટ ફૅક્ટરી પર છાપો મારી ત્યાંથી મેફેડ્રોન નામનું ડ્રગ જપ્ત કર્યું હતું. એ બાબતે રાજ્યના કૉન્ગ્રેસ પાર્ટીના વડા હર્ષવર્ધન સપકાળે એવા આક્ષેપ કર્યા હતા જ્યાં એ ફૅક્ટરી ચાલતી હતી એ એકનાથ શિંદેના ભાઈની છે, આ બાબત ગંભીર છે અને એકનાથ શિંદેએ એથી રાજીનામું આપી દેવું જોઈએ. જોકે આ બાબતને રદિયો આપી દેતાં રાજ્યના મુખ્ય પ્રધાન અને સાથે જ રાજ્યના ગૃહખાતાના પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારોને કહ્યું હતું કે એકનાથ શિંદે એ સાતારા ડ્રગ ફૅક્ટરી સાથે કોઈ પણ રીતે સંકળાયેલા નથી. કૉન્ગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એ રાજકીય રીતે મોટિવેટ કરાયેલા છે. એકનાથ શિંદેને આ રીતે ડ્રગ ફૅક્ટરી સાથે સાંકળવા એ બહુ ઘૃણાસ્પદ છે. એકનાથ શિંદે કે તેમના પરિવાર આ કેસ સાથે સંકળાયેલા હોવાના કોઈ પણ પુરાવા નથી.’
દેવેન્દ્ર ફડણવીસે ક્રાઇમ બ્રાન્ચને આ રૅકેટનો પર્દાફાશ કરવા બદલ બિરદાવી હતી.