28 May, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરસાદને કારણે ઝાડ પડ્યા.
મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં સોમવારે વરસેલા ધોધમાર વરસાદે જ્યારે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું ત્યારે કેટલીક દુર્ઘટના પણ ઘટી હતી. વિક્રોલીના કન્નમવારનગરમાં આવેલા ગણેશ મેદાન પાસે ૩૬ વર્ષના તેજસ નાઈકના માથા પર ઝાડ તૂટી પડતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. તેને તરત જ નજીકની ગોદરેજ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરેએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર એ ઝાડ વરસાદ આવે એ પહેલાં સાવચેતીના રૂપે ટ્રિમ કરવામાં આવ્યું હતું, પણ એ મૂળમાંથી જ ઊખડીને પડતાં આ દુર્ઘટના ઘટી હતી.
ઝાડ પડવાની અન્ય એક ઘટના તળ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના પરિસરમાં બની હતી. ૨૪ વર્ષના સાંઈરાજ પવાર પર સોમવારે બપોરે ૧.૩૦ વાગ્યે ઝાડની ડાળી પડી હતી જેમાં તે ઘાયલ થયો હતો. સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં લઈ જવાતાં ડૉક્ટરએ તેને દાખલ કરી સારવાર આપી હતી. તેની કન્ડિશન સ્ટેબલ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.
ધોધમાર વરસાદને કારણે મુંબઈમાં ઝાડ પડવાની કે ડાળીઓ તૂટી પડવાની કુલ ૭૦ જેટલી ઘટના નોંધાઈ હતી જેમાંથી ૪૬ ઘટના મુંબઈ શહેરમાં નોંધાઈ હતી. વેસ્ટર્ન સબર્બ્સમાં ૧૭ અને ઈસ્ટર્ન સબર્બ્સમાં ૭ જગ્યાએ ઝાડ તૂટી પડ્યાં હતાં.
૫૩ ઘટના શૉર્ટ-સર્કિટની અને ૧૨ ઘટના દીવાલ ધસી પડવાની કે સ્લૅબ તૂટી પડવાની બની હતી. જોકે એ ઘટનાઓમાં કોઈને ઈજા થયાના અહેવાલ નથી.