જેટ ઍરવેઝના વિદેશી પાઇલટની બદમાશી મહિલાને મારી અને ગાળો આપી

27 April, 2017 04:20 AM IST  | 

જેટ ઍરવેઝના વિદેશી પાઇલટની બદમાશી મહિલાને મારી અને ગાળો આપી



જેટ ઍરવેઝના એક વિદેશી પાઇલટે ડોમેસ્ટિક ફ્લાઇટ દરમ્યાન એક મહિલા પર હુમલો કર્યો હતો અને એક શારીરિક રીતે અક્ષમ વ્યક્તિને ગાળો દીધી હતી. આ દાવો ગઈ કાલે ક્રિકેટર હરભજન સિંહે કર્યો હતો.

આ ઘટના બદલ ખેદ દર્શાવતાં જેટ ઍરવેઝે કહ્યું હતું કે કંપનીની નીતિ મુજબ તપાસ કરી આ વિશે યોગ્ય પગલાં લેવામાં આવશે. આ ઘટનાના દિવસથી સંબંધિત પાઇલટને ડીરોસ્ટર કરી દેવામાં આવ્યો છે. એને લીધે આ પાઇલટ અત્યારે વિમાન ઉડાડી નહીં શકે.

ક્રિકેટર હરભજન સિંહે માહિતી આપી હતી કે આ ઘટના ૬ એપ્રિલે ચંડીગઢ-મુંબઈ ફ્લાઇટમાં બની હતી અને મને આ વિશે મારા એક પરિચિતે માહિતી આપી હતી.

આ ઘટના વિશે હરભજને કહ્યું હતું કે ‘અમે ગર્વપૂર્વક કહીએ છીએ કે અમે ભારતીય છીએ અને બ્લડી ઇન્ડિયન્સ નથી. મારે પાઇલટની માફી નથી જોઈતી. હું માગણી કરું છે કે આ પાઇલટને ભારતની બહાર મોકલી દેવો જોઈએ જેથી કોઈની હિંમત ન થાય કે આપણને ફરી કોઈ બ્લડી ઇન્ડિયન્સ કહે.’

 હરભજને વારાફરતી કરેલાં ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘પાઇલટે મહિલા પર હુમલો ક્યોર્ હતો અને શારિરીક રીતે એક અક્ષમ વ્યક્તિને ગાળો આપી હતી. આ વિદેશી પાઇલટનું નામ બર્ન્ડ હોએસલિન છે.

જેટ ઍરવેઝે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘ઍરલાઇન પૅસેન્જરોની માફી માગી ચૂકી છે અને ઍરલાઇનની કાર્યપ્રણાલી મુજબ આ બાબતે વિગતવાર તપાસ કરવી શરૂ કરી છે. વધારામાં અમે કર્મચારીઓ માટે કડક આચારસંહિતા ધરાવીએ છીએ.’

વિદેશી પાઇલટોની દાદાગીરી


હરભજન સિંહનું ટ્વીટ એ સમયે આવ્યું છે જ્યારે ઍરલાઇનના સ્થાનિક પાઇલટોની સંસ્થા નૅશનલ એવિયેટર્સ ગિલ્ડે વિદેશી પાઇલટોની વર્તણૂક વિશે ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં એક વિદેશી પાઇલટે ભારતીય કો-પાઇલટ પર હુમલો પણ કર્યો હતો. આ ઘટના બાદ ગિલ્ડે વિદેશી પાઇલટો સાથે વિમાન ન ઉડાડવાની એના મેમ્બરોને સૂચના આપી હતી.

જેટ ઍરવેઝમાં લગભગ ૬૦ વિદેશી કમાન્ડરો છે. આ કમાન્ડરો મુખ્યત્વે બોઇંગ ૭૩૭ અને ATR પ્લેનો ઉડાડે છે. જેટ ઍરવેઝના સ્થાનિક પાઇલટોની સંસ્થાએ વ્યક્ત કરેલી ચિંતાના જવાબમાં ગયા અઠવાડિયે ઍરલાઇને કહ્યું હતું કે ઍરલાઇન કર્મચારીઓ માટે કડક આચારસંહિતા ધરાવે છે.