મુંબઈની ગુજરાતી છોકરીએ CAFCની પરીક્ષામાં મેળવ્યું અદ્ભુત પરિણામ, મેથ્સમાં ૯૯ માર્કસ

12 August, 2022 03:08 PM IST  |  Mumbai | Karan Negandhi

કુલ ૩૬૨ માર્કસ સાથે પાસ કરી પરીક્ષા

પ્રાચી નંદુ

મુંબઈની ગુજરાતી છોકરીએ CA ફાઉન્ડેશન કોર્સની પરીક્ષામાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મલાડમાં રહેતી પ્રાચી નંદુએ ફાઉન્ડેશનની પરીક્ષામાં અદ્ભુત પરિણામ મેળવ્યું છે. વિલેપાર્લેની એનએમ કૉલેજમાં પહેલાં વર્ષમાં ભણતી પ્રાચીએ ફાઉન્ડેશનની પરીક્ષા નેગેટિવ માર્કિંગ હોવા છતાં કુલ ૩૬૨ માર્કસ સાથે પાસ કરી છે. માત્ર એટલું જ નહીં તેણેએ ગણિતમાં ૯૯ માર્કસ મેળવ્યા છે, જે ખરેખર એક મોટી ઉપલબ્ધિ છે.

પ્રાચીને એકાઉન્ટ્સમાં ૯૪, લૉમાં ૭૬ અને ઇકોનોમિક્સમાં ૯૩ માર્કસ મેળવ્યા છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં પ્રાચીએ કહ્યું કે “મેં આટલા સરસ પરિણામની જરાય આશા રાખી ન હતી, પરંતુ મારી મહેનત રંગ લાવી છે, તેથી હું ખૂબ જ ખુશ છું.”

પરીક્ષાની તૈયારીઓ વિશે વાત કરતાં પ્રાચી કહે છે કે “પરીક્ષા અગાઉના ત્રણ મહિના તો હું દિવસમાં લગભગ ૧૨થી ૧૩ કલાક ભણતી હતી. તેની પહેલાં હું લગભગ ૭થી ૮ કલાક આ પરીક્ષા મતે તૈયારી કરતી હતી.”

જ્યારે પ્રાચીને પૂછવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ માટે ટિપ્સ? જવાબમાં પ્રાચી જણાવે છે કે “મોટાભાગે વિદ્યાર્થીઓ અમુક કલાકનો સમય ફાળવવાનું નક્કી કરતાં હોય છે. તેને બદલે જો તેઓ અમુક પ્રકરણ પૂરાં કરવાનું નક્કી કરે તો કદાચ યોગ્ય ન્યાય આપી શકશે. મેં ક્યારેય ચોક્કસ સમય નક્કી નથી કર્યો પણ ચેપ્ટર્સ પૂરાં કરવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. ઉપરાંત હું માનું છું કે ગમતો વિષય જો છેલ્લે ભણવામાં આવે તો તમે જુદાં પ્રકારની ફ્રેશનેસ અનુભવો અને ભણવામાં વધારે રસ પડે.”

શિક્ષકોને આપ્યો સફળતાનો શ્રેય

તમારી સફળતાનો શ્રેય કોને આપશો? આ સવાલના જવાબમાં “હું મારી આ સફળતાનો શ્રેય મારા શિક્ષક - પ્રગલ્ભ કલાસીસના જીતુ સર, માતા-પિતા અને ફ્રેન્ડ્સને આપીશ કારણ કે તેમણે મને હંમેશા સહકાર આપ્યો છે.”

mumbai mumbai news malad