દીક્ષાની અનોખી ઉજવણી

09 December, 2022 10:02 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

સંસાર ત્યાગીને દીક્ષાર્થીએ જનકલ્યાણ માટે વાળ કૅન્સર પેશન્ટને ડોનેટ કર્યા

દીક્ષા લીધા બાદ પૂર્વાશ્રમનાં ભૂમિ સોલંકીએ પોતાના વાળ કૅન્સરના પેશન્ટને ડોનેટ કર્યા હતા.

મુંબઈ : કૅન્સરની ટ્રીટમેન્ટ વખતે પેશન્ટે અનેક પ્રકારની પીડા સાથે વાળ જતા રહેવાની પીડામાંથી પણ પસાર થવું પડે છે. વાળ જતા રહેવાથી પેશન્ટો માનસિક તાણ પણ અનુભવતા હોય છે. આમ છતાં ગણતરીની મહિલાઓ અને યુવતીઓ પોતાના વાળ ડોનેટ કરતી જોવા મળે છે. જોકે દીક્ષા લેતી વખતે કેશ લોચન કર્યા બાદ પોતાના વાળ કૅન્સરના પેશન્ટને ડોનેટ કરવાનો પ્રસંગ ગઈ કાલે જોવા મળ્યો હતો. દીક્ષા લેનાર ૨૧ વર્ષની દીક્ષાર્થી ભૂમિ સોલંકીએ પોતાના વાળ સારાએવા વધારી દીક્ષા લઈને સંસારનો ત્યાગ કર્યો હતો, પણ જનકલ્યાણમાં પોતાના વાળ કોઈને કામ આવે એટલા માટે એને ડોનેટ કર્યા હતા.

શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સાવક સંઘ - શેઠ દામજી લક્ષ્મીચંદ દૈન ઉપાશ્રય, ચિંચપોકલી ખાતે ગઈ કાલે ૨૧ વર્ષની મુમુક્ષુરત્ના ભૂમિ સોલંકી ​સંસાર ત્યજીને દીક્ષામાર્ગે ગઈ હતી. શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન લિંબડી અજરામર સંપ્રદાયના ઉપક્રમે પૂ.ગ.આ. ભગવંતશ્રીની આજ્ઞા અને પૂ.ગ.આ. ભાવચંદ્રજીસ્વામીના આશીર્વાદથી પૂ.શ્રી ભાસ્કરગુરુદેવની નિશ્રામાં કચ્છ-વાગડ આધોઈની ભૂમિનો દીક્ષા મહોત્સવ યોજાયો હતો. દીક્ષા લીધા બાદ તેનું નામ સિધાંશીકુમારી મહાસતીજી નૂતન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગ્રાન્ટ રોડ-વેસ્ટના શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પણ મદદ મળી હતી.

આ અનોખી દીક્ષા વિશે માહિતી આપતાં શાસનની સેવા અને સાધુ-ભગંવતોની વૈયાવચ્ચ કરનાર ગ્રાન્ટ રોડમાં રહેતાં હીના ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભૂમિબહેનની માતા મંજુબહેન અને પિતા પ્રવીણભાઈએ સંસારી દીકરા અને દીકરીને નાનપણથી જ જૈન શાસનના અભ્યાસ માટે સાધુ-ભગંવતોને સોંપ્યાં હતાં. દીક્ષાર્થી ભૂમિબહેને સાધ્વીશ્રી તત્ત્વજ્ઞાકુમારી મહાસતીજી અને સાધ્વીશ્રી સુપર્ણાકુમારી મહાસતીજીની સાથે રહીને અભ્યાસ કર્યો હતો અને તેમનામાં સંસ્કારનાં બીજ રોપ્યાં હતાં. ભૂમિબહેને ગુણ-મંજુલ પરિવારમાં દીક્ષા લીધી છે. ભૂમિબહેનના ભાઈએ પહેલાં દીક્ષા લીધી હતી અને અનેક વર્ષ અભ્યાસ કરીને ભૂમિબહેને ગઈ કાલે દીક્ષા લીધી હતી. નાની ઉંમરે અભ્યાસની શરૂઆત કરતાં તેમને જૈન શાસનનું ખૂબ સારું જ્ઞાન છે. ​દીક્ષા લેવા પહેલાં તેમણે પોતાના વાળ સારાએવા વધાર્યા હતા અને એ ૧૮ ઇંચની આસપાસ થઈ ગયા હતા. સંસાર ત્યાગીને તેમણે પોતાના વાળ કૅન્સરના પેશન્ટને કામ આવે એ માટે ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. એથી દીક્ષા-મહોત્સવ વખતે કેશ લોચન કર્યા બાદ તેમના વાળ ડોનેટ કરવામાં આવ્યા હતા. તેમનો આ નિર્ણય પ્રેરણારૂપ બન્યો છે અને બધાએ આવકાર્યો પણ હતો.’

mumbai mumbai news