21 March, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગુઢીપાડવાનો દિવસ નવી શરૂઆત અને રોકાણ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણસર મુંબઈના રહેવાસીઓએ ઑટોમોબાઇલની ખરીદીમાં પણ ભારે રસ દાખવ્યો હતો. ૯ માર્ચથી ૧૯ માર્ચ દરમ્યાન આશરે ૧૦,૦૦૦ નવાં વાહનો નોંધાયાં હતાં. આ વર્ષે લોકોએ હવે પેટ્રોલ અને ડીઝલ મૉડલ કરતાં ઇલેક્ટ્રિક વાહનો (EV) અને હાઇબ્રિડ વાહનોને પ્રાથમિકતા આપી હતી. આ વર્ષે અંધેરીની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ સૌથી વધુ રજિસ્ટ્રેશન કર્યાં હતાં. ૨૮૯૮ વ્હીકલ રજિસ્ટ્રેશન સાથે પહેલા નંબરે અંધેરી હતું તો બીજા નંબરે મુંબઈ સેન્ટ્રલ રહ્યું હતું.
ગુઢીપાડવાના દિવસે કોઈ ડિલિવરીમાં મુશ્કેલી ન આવે એ માટે ડીલરો અને ગ્રાહકોએ અગાઉથી જરૂરી તમામ દસ્તાવેજનું કામ પૂરું કરી લીધું હતું. નોંધાયેલાં વાહનોની કુલ સંખ્યામાં ૭૫૬૮ ટૂ-વ્હીલર અને ૨૪૦૪ કારનો સમાવેશ થાય છે.
ગુઢીપાડવાના શુભ દિને મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં લોકોએ સોના-ચાંદીની સારીએવી ખરીદી કરી હતી. ગુઢીપાડવાના શુભ મુહૂર્તમાં સોના-ચાંદીની વસ્તુઓની ખરીદી ગયા વર્ષ કરતાં આ વર્ષે ૧૦ ટકા વધુ થઈ હતી.
ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી કાઉન્સિલના ચૅરમૅન રાજેશ રોકડેએ કહ્યું હતું કે ‘આ વર્ષે વધુ કિંમતનું સોનું અને ચાંદી ખરીદાયું છે એની પાછળનું કારણ છે અત્યારનો ભાવ. ગયા વર્ષે ૧૦ ગ્રામ સોનાનો ભાવ હતો ૮૮,૫૦૦ રૂપિયા, જ્યારે આ વર્ષે ૧,૪૮,૦૦૦ રૂપિયા થયો છે. એક કિલો ચાંદીનો ભાવ ગયા વર્ષે ગુઢીપાડવા પર ૧,૦૩,૦૦૦ રૂપિયાની આસપાસ હતો એ હવે ૨,૪૫,૦૦૦ રૂપિયાની નજીક છે. લાંબા ગાળે ભાવ વધવાનું જે વલણ ધરાવે છે એનાથી ગ્રાહકો સારી રીતે વાકેફ હોવાથી ખરીદી થઈ રહી છે. એમાં પણ ગુઢીપાડવાના દિવસે ભાવ બે વાર નીચો જતાં લોકોએ ધૂમ ખરીદી કરી હતી. દેશમાં આશરે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હોવાનો અંદાજ છે.’