ભાવુક વાતાવરણમાં મિસ્ત્રી દંપતીના અંતિમ સંસ્કાર

29 March, 2023 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરો વિદેશમાં રહેતો હોવાથી તેની રાહ જોવામાં મિસ્ત્રી દંપતીના ગઈ કાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

પાર્વતી મૅન્શનનો એ ખૂની પૅસેજ

ચેતન ગાલા દ્વારા રમાયેલી ખૂની હોળીમાં તેણે શિકાર બનાવેલાં પાડોશી સિનિયર સિટિઝન ૭૦ વર્ષના ઇલા જયેન્દ્ર મિસ્ત્રી અને તેમની બૂમો સાંભળીને તેમને બચાવવા આવેલા તેમના ૭૭ વર્ષના પતિ જયેન્દ્ર મિસ્ત્રી ગંભીર રીતે જખમી થયાં હોવાથી જીવ ગુમાવી બેઠાં હતાં. આ દંપતીનો દીકરો તેમની સાથે જ રહેતો હતો અને તે મુંબઈમાં જૉબ કરે છે, જ્યારે દીકરીનાં લગ્ન થયાં હોવાથી તેનો દીકરો વિદેશમાં રહેતો હોવાથી તેની રાહ જોવામાં મિસ્ત્રી દંપતીના ગઈ કાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દોહિત્રને તેની નાની પર ખૂબ પ્રેમ હોવાથી તેની રાહ જોવાઈ રહી હતી. ગઈ કાલના ભાવુક વાતાવરણ વિશે વાત કરતાં પાર્વતી મૅન્શનની ‘સી’ વિંગમાં રહેતા એક રહેવાસીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ઘટનાને આટલા દિવસો થઈ ગયા હોવા છતાં આંખ સામેથી કંઈ દૂર થઈ રહ્યું નથી. મિસ્ત્રી દંપતીના ગઈ કાલે અંતિમ સંસ્કાર થયા એ વખતે બિલ્ડિંગના રહેવાસીઓની સામે ફરી બધાં દૃશ્યો આવી ગયાં હતાં. મિસ્ત્રી પરિવારનો અંદાજે વીસેક વર્ષનો દોહિત્ર વિદેશમાં હોવાથી અને તેને નાની પર ખૂબ જ પ્રેમ અને લાગણી હોવાથી તે અને સંબંધીઓ આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાયા હતા. નાના-નાનીના મૃતદેહ જોઈને વિદેશથી આવેલો દોહિત્ર ખૂબ જ ભાવુક થઈને રડી રહ્યો હતો. તેને જોઈને અમે પણ ખૂબ ભાવુક થયા હતા. મિસ્ત્રી વૃદ્ધ દંપતીના આત્માને શાંતિ મળે એ જ અમારી પ્રાર્થના છે.’

રાતે સૂતી વખતે પણ અમારી આંખ સામેથી એ દૃશ્યો દૂર થતાં નથી એમ જણાવીને બિલ્ડિંગમાં રહેતી એક મહિલાએ કહ્યું હતું કે ‘શુક્રવારે બનેલો બનાવ અમારા જીવનમાં હંમેશાં યાદ રહેશે અને ક્યારેય ભુલાશે નહીં. આ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં આંખની સામે બધાં દૃશ્યો આવ્યા કરે છે. આ ઘટના બાદ ત્રણેક દિવસ તો બધા ઘરે જ હતા અને માંડ હવે કામ પર જવા લાગ્યા છીએ. એમ છતાં રાતે સૂતી વખતે પણ આંખની સામેથી દૃશ્યો જતાં નથી. પહેલાં અમારા બિલ્ડિંગમાં લોકો એકબીજા સાથે વાતો કરવા ઊભા રહેતા હતા અને એકબીજાને બોલાવતા હતા, પણ આ ઘટના બાદ અમે વાતો કરવા પણ ઊભા રહેતા નથી.’ 

mumbai mumbai news grant road Crime News mumbai crime news