ચેતન ગાલાનો ખરેખર કોના મર્ડરનો પ્લાન હતો?

27 March, 2023 07:40 AM IST  |  Mumbai | Rohit Parikh

તેનો હત્યા કરવાનો પ્રી-પ્લાન હતો અને એટલે જ મહિના પહેલાં ચોર બજારમાંથી તે રામપુરી ચાકુ લઈને આવ્યો હતો? : પાર્વતી મૅન્શનમાં હજી ઘેરા શોકનો માહોલ છે

ચેતન ગાલા

સાઉથ મુંબઈના ગ્રાન્ટ રોડના ૭૦ વર્ષ જૂના પાર્વતી મૅન્શન બિલ્ડિંગમાં શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે બનેલી ટ્રિપલ મર્ડરકેસની ઘટનાને આ બિલ્ડિંગના રહેવાસીઓ બે દિવસ પૂરા થવા આવ્યા પછી પણ ભૂલી શકતા નથી. દરેક ભાડૂતની નજર સમક્ષ શુક્રવારે ૩૦ મિનિટ ચાલેલી એ ખૂનામરકીની ઘટના રિવાઇન્ડ થઈ રહી છે. સૌના મનમાં એક જ સવાલ અત્યારે ઘૂમરાઈ રહ્યો છે કે એક મહિના પહેલાં જ ચોરબજારમાંથી રામપુરી ચાકુ લઈને આવેલા ચેતન ગાલાએ અત્યારે ભલે પોલીસને કહ્યું કે તેની પત્ની અને પરિવારથી તેને દૂર કરનારા તેના પાડોશીઓ સિનિયર સિટિઝન ઇલા મિસ્ત્રી અને જયેન્દ્ર મિસ્ત્રી તથા પહેલા માળે રહેતાં તેની પત્ની અરુણાબહેનનાં સખી સ્નેહલ બ્રહ્મભટ્ટ અને તેમની પુત્રીની સખી દીકરી જેનિલ બ્રહ્મભટ્ટ અને હાઉસકીપર પર ઘાતક હુમલો કર્યો હતો, પણ ચેતન ગાલાનો અસલી ઇરાદો કોની હત્યા કરવાનો હતો?

પાર્વતી મૅન્શનના એક રહેવાસીએ ગઈ કાલે એવી માહિતી આપી હતી કે ‘ચેતન ગાલા જે રીતે તેના ઘરમાં રામપુરી ચાકુ લઈને આવ્યો હતો એ જોતાં તેનો હત્યા કરવાનો પ્રી-પ્લાન હતો. તે તેના પરિવારજનો પાસે પંદર દિવસ પહેલાં જો અરુણાબહેન, તેની દીકરીઓ અને દીકરો ઘરમાં પાછા નહીં ફરે તો તે કોઈની હત્યા કરી નાખશે એવું બોલી પણ ગયો હતો. જોકે તેની આ વાતને કોઈએ ગંભીરતાથી લીધી નહોતી. હજી પણ અમારા મગજમાં ફક્ત તેણે તેની પત્નીના અને પરિવારના દૂર જવાના આક્રોશમાં જ પાડોશી પર જીવલેણ હુમલો કર્યો છે એ વાત બંધબેસતી નથી. તેનો પસ્તાવો પણ જેલની દીવાલ જોઈને થયો છે કે જેલમાંથી છુટકારો મેળવવા માટેનો છે.’

આ રહેવાસીએ કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગમાં તો એ પણ ચર્ચા ચાલી રહી છે કે ઘણા લાંબા સમયથી જો તેની પત્ની અને તેના પરિવાર વચ્ચે ઝઘડા ચાલતા હતા તો ચાર મહિના પહેલાં એવું તો તેના પરિવારમાં શું બન્યું કે તેનો પરિવાર તેને છોડીને જતો રહ્યો. એક વાત તો પાકી છે કે જે રીતે તેના પરિવારજનો તેના માટે ટિફિન લઈને આવતા હતા એ જોતાં તેમનો ઝઘડો એવો તો નહીં જ હોય કે ચેતન આટલો બધો રોષમાં આવીને બિલ્ડિંગમાં હત્યાકાંડ કરી નાખે જેમાં ત્રણ નિર્દોષનાં મોત થઈ ગયાં. હજી અમે બધા સંપૂર્ણપણે શુક્રવારની ઘટનામાંથી બહાર આવ્યા નથી. આજે બે દિવસ પછી હવે કામે લાગીશું અને મનને બીજે વાળવાની કોશિશ કરીશું. ચેતન ગાલાએ પહેલા માળે રહેતાં સ્નેહલ ભટ્ટના પેટમાં છરો હુલાવી દીધો હતા અને આંતરડાં બહાર કાઢી નાખ્યાં હતાં તેમની તબિયત હવે સુધારા પર છે. છતાં હજી તેઓ આઇસીયુમાં જ સારવાર હેઠળ છે. હાઉસકીપર પ્રકાશ વાઘમારેની તબિયત પણ હવે સારી છે. મિસ્ત્રી દંપતીના કોઈ રિલેટિવ લંડનથી આવવાના હોવાથી તેમની અંતિમક્રિયા હજી બાકી છે, જે એકાદ-બે દિવસમાં થવાની શક્યતા છે.’

mumbai mumbai news grant road