08 January, 2023 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોરેગામની ફિલ્મસિટી ૪૫૦૦ કરોડના ખર્ચે બનશે આધુનિક
મુંબઈ : દેશ આર્થિક સ્તરે હરણફાળ ભણી રહ્યો છે ત્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ યુપીમાં વધુ ને વધુ ઇન્ડસ્ટ્રિયલિસ્ટો આવીને ત્યાં તેમના પ્લાન્ટ નાખે અને ધંધા વિકસાવે એ માટે કમર કસી છે. હાલમાં જ તેઓ આ માટે મુંબઈ આવ્યા હતા અને ઘણીબધી મીટિંગો પણ કરી હતી. તેમણે બૉલીવુડના માંધાતાઓ સાથે પણ મીટિંગ કરીને તેમને યુપીમાં તેમની ફિલ્મો, સિરિયલો અને ઓટીટી પ્લૅટફૉર્મ પર રજૂ થતી વેબ-સિરીઝના શૂટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને યુપી સરકાર તેમને પૂર્ણ સહયોગ આપશે એવી બાંયધરી આપી હતી. જોકે આથી વર્ષોથી દેશના ફિલ્મઉદ્યોગનું સેન્ટર રહેલા મુંબઈનું મહત્ત્વ ઓછું થશે અને અન્ય ઉદ્યોગોની જેમ આ ઉદ્યોગ પણ જો અન્ય રાજ્યમાં ચાલ્યો જશે તો મુશ્કેલી પડશે એ જોતાં જ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને તરત જ ગોરેગામમાં આવેલી દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (ફિલ્મસિટી)ને ૪,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક બનાવાશે એવી જાહેરાત કરી હતી. એટલું જ નહીં, હૉલીવુડના યુનિવર્સલ સ્ટુડિયોની જેમ સહેલાણીઓ એની મુલાકાત પણ લઈ શકે અને તેમની પોતાની એક મિનિટની ફિલ્મ પણ બનાવી શકે એવું ટૂરિસ્ટ અટ્રૅક્શન પણ બનાવવા આવશે એમ જાહેર કર્યું હતું.
મૂળમાં રાજ્ય સરકાર દ્વારા આ પ્લાન હતો જ અને ૨૦૧૮માં ફિલ્મસિટીના મૉડર્નાઇઝેશન માટે ગ્લોબલ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યાં હતાં. જોકે એ વખતે એક પણ બિડ ન મળતાં એ પ્રોજેક્ટ અટકી પડ્યો હતો. હવે સરકારે કહ્યું છે કે તે આ વખતે ટેન્ડરની શરતો હળવી અને વાસ્તવિક રાખશે જેથી વધુ ને વધુ પાર્ટીઓ એમાં રસ દાખવે. સાંસ્કૃતિક ખાતાના પ્રધાન સુધીર મુનગંટીવારે આ સંદર્ભે કહ્યું હતું કે ‘ફિલ્મસિટીના આ પ્રોજેક્ટ હેઠળ સ્ટેટ ઑફ આર્ટ સ્ટુડિયો બનાવવામાં આવશે જે ફિલ્મનિર્માણની અત્યાધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ હશે. આ ઉપરાંત એમાં આઉટડોર શૂટિંગ માટે પણ ઉપયોગી એવાં વિવિધ પ્રકારનાં લૅન્ડસ્કેપ તૈયાર કરવામાં આવશે. એ અંતર્ગત હાલના ૫૨૧ સ્ક્વેર એકરમાં ફેલાયેલી ફિલ્મસિટીની આસપાસના ૧૦૪ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારને આવરી લેવાશે. સરકાર આ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પાર પાડવા માગે છે.’