25 September, 2025 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
મુંબઈમાં પણ નવરાત્રીનો જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબા ઈવેન્ટમાં લોકોની મોટી ભીડ જોવા મળી રહી છે જેમાં આ વચ્ચે મુંબઈના ગોરેગાવમાં એક પ્રખ્યાત ગરબા ઈવેન્ટમાં મારપીટની ઘટના બની છે. ૨૬ સપ્ટેમ્બર, બુધવારે રાત્રે ગોરેગાંવ પૂર્વમાં નેસ્કો કમ્પાઉન્ડમાં (NESCO Compound) આયોજિત નવરાત્રી દાંડિયા ઉજવણીમાં થયેલી લડાઈમાં ૧૯ વર્ષનો એક કિશોર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જખમી થનારની ઓળખ જેનીલ બરબાયા તરીકે થઈ છે, તેના પર ગરમા રમવા આવેલા એક જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ નવરાત્રીના આનંદી વાતાવરણને વિક્ષેપિત કર્યો હતો, જેના કારણે ઘણા લોકો આઘાત પામ્યા હતા અને આવા મોટા પાયે થતાં કાર્યક્રમોમાં લોકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પીડિતને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો
હુમલા બાદ, જેનીલને તરત જ મલાડ પશ્ચિમની તુંગા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. યુવાન બેભાન હાલતમાં મળી આવતા તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તપાસ બાદ પુષ્ટિ આપી હતી કે તે હવે ભાનમાં આવ્યો છે અને જોખમમાંથી બહાર છે, જોકે તેને માથામાં ઘણી ઇજાઓ થઈ છે. તેના પિતા રૂપેશ બરબાયાએ જણાવ્યું હતું કે દાંડિયા રમવા દરમિયાન એક યુવકે જેનિલ પર હુમલો કર્યો ત્યારે બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ વધતાં જેનિલ પર જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
વીડિયોમાં ઘટના રેકોર્ડ થઈ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શૅર કરવામાં આવેલા એક વીડિયોમાં પીડિત ઘાયલ હાલતમાં દેખાઈ રહ્યો છે અને તેના નાકમાંથી લોહી પણ વહેતું દેખાઈ રહ્યું છે. આ ઘટનાથી ત્યાના લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. દરમિયાન ઈવેન્ટના સહભાગીઓએ પણ ઝઘડામાં દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી મુંબઈના મોટા નવરાત્રી ઈવેન્ટમાં ભીડ વ્યવસ્થાપન અને લોકોની સલામતી વ્યવસ્થા અંગે ચર્ચા શરૂ થઈ છે.
પોલીસે યુવાનોની અટકાયત કરી, પણ તેઓ ભાગી ગયા
મુંબઈ પોલીસે અથડામણ બાદ ત્રણ યુવાનોની અટકાયત કરી હતી. જોકે, અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓને કસ્ટડીમાં લીધા પછી તેઓ તરત જ પોલીસ વૅનમાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. આ મામલાની તપાસ ચાલી રહી છે, અને વધુ અપડેટ્સની રાહ જોવાઈ રહી છે.
દાંડિયા નાઈટ્સમાં લોકો વચ્ચેની અથડામણનો મોટો મુદ્દો
આ ફક્ત એકમાત્ર ઘટના નથી. સમાન ઈવેન્ટના અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં જોવા મળ્યું છે કે કેવી રીતે ચોક્કસ જૂથો અહીં પ્રભુત્વ ધરાવવાનો પ્રયત્ન કરે છે અને નાના જૂથો અથવા લોકોને ગરબા રમવાથી અટકાવે છે. આવા વર્તનને કારણે વારંવાર દલીલો અને અથડામણો થઈ છે.