22 September, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતિન ગડકરી
રાજ્યમાં હાલ અનામતના મુદ્દે ભડકો થયો છે. મરાઠાઓને અનામત આપવામાં આવી એનાથી અધર બૅકવર્ડ ક્લાસમાં નારાજગી છે અને હવે એ લોકો આક્રમક થયા છે. બીજી બાજુ બંજારા સમાજ પણ અનામત મળે એ માટે પ્રયાસ કરી રહ્યો છે ત્યારે કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન ગડકરીએ બહુ સૂચક સ્ટેટમેન્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હું બ્રાહ્મણ છું. ભગવાને અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે કે અમને અનામત નથી.’
નાગપુરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતાં નીતિન ગડકરી કહ્યું હતું કે ‘હું બ્રાહ્મણ જાતિનો છું. હું હંમેશાં ગમ્મતમાં કહેતો હોઉં છું કે અમારા પર પરમેશ્વરનો સૌથી મોટો ઉપકાર જો કંઈ હોય તો એ કે અમને અનામત નથી. મહારાષ્ટ્રમાં બ્રાહ્મણોને મહત્ત્વ મળતું નથી, પણ ઉત્તર પ્રદેશ અને બિહારમાં બ્રાહ્મણોને બહુ મહત્ત્વ અપાય છે. હું જ્યારે પણ ત્યાં જાઉં છું ત્યારે નોંધું છું કે દુબે, મિશ્રા, ત્રિપાઠી બહુ પાવરફુલ છે. જે રીતે અહીં મરાઠાઓનું વર્ચસ છે એવું જ ત્યાં બ્રાહ્મણોનું છે. હું તેમને કહું છું કે હું જાતપાતમાં માનતો નથી. કોઈ પણ માણસ જાત-ધર્મ કે ભાષાથી મોટો નથી હોતો. તે પોતાના ગુણોથી મોટો હોય છે.’