વિરારના અર્નાળામાં પોલીસની ચેતવણી અવગણીને દરિયામાં નહાવા પડેલા ૪ ટીનેજર ડૂબ્યા, બે ટીનેજરોને બચાવી લેવાયા

17 July, 2026 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરારના પ્રસિદ્ધ અર્નાળા સમુદ્રકિનારે ગઈ કાલે સવારે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે.

અર્નાળા સમુદ્ર કિનારે ચાલી રહેલું સર્ચ-ઑપરેશન.

વિરારના પ્રસિદ્ધ અર્નાળા સમુદ્રકિનારે ગઈ કાલે સવારે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અર્નાળા બીચ પર ૩૦ સપ્ટેમ્બર સુધી દરિયામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે એટલે દરિયામાં ન ઊતરવા માટે વારંવાર અપીલ કરવા છતાં નાલાસોપારા-વેસ્ટથી આવેલા ચાર મિત્રો ઊંડા પાણીમાં નહાવા પડ્યા હતા. આ દરમ્યાન સમુદ્રનાં તોફાની મોજાંઓએ ચારેયને ઘેરી લીધાં હતાં. બાળકોની બૂમાબૂમ સાંભળીને પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસજવાનો, હોમગાર્ડ અને સ્થાનિક લાઇફગાર્ડ્સે તરત દરિયામાં ઝંપલાવ્યું હતું. તેમણે ભારે જહેમત બાદ બે બાળકોને ડૂબતાં બચાવી લીધાં હતાં, પરંતુ અન્ય બે મિત્રો ગઈ કાલ સાંજ સુધી લાપતા હોવાની માહિતી પોલીસે આપી હતી.

અર્નાળા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે પોણાદસ વાગ્યે ૧૪થી ૧૯ વર્ષની વયના આ ચાર મિત્રો બીચ પર પહોંચ્યા હતા. કિનારે ફરજ બજાવતા સુરક્ષા-જવાનોએ તેમને સમુદ્ર જોખમી હોવાની કડક ચેતવણી આપીને પાણીમાં ન જવા કહ્યું હતું. જોકે આ કિશોરો કાયદા અને ચેતવણીને નેવે મૂકીને પાણીમાં ઊતરી ગયા હતા. મોજાંના જોરદાર પ્રવાહમાં તણાઈને ગુમ થયેલા બે મિત્રોની ઓળખ ૧૭ વર્ષના શોએબ ઝાકીર અહમદ ખાન અને ૧૯ વર્ષના આયન ઝાકીર હુસેન તરીકે થઈ છે. બચાવી લેવાયેલા બન્ને કિશોરોને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.’

mumbai news mumbai virar