ટ‍્વિન્સ બહેનો સ્વભાવે અલગ, પણ ભાવિનો નિર્ણય એક, દીક્ષા લેવાનો

18 January, 2023 09:14 AM IST  |  Mumbai | Alpa Nirmal

જૈન ધર્મની અર્વાચીન તવારીખમાં કદાચ પ્રથમ વખત બે જોડિયા બહેનો રિદ્ધિ અને સિદ્ધિ જૈન આજે લેશે એકસાથે દીક્ષા

જોડિયા બહેનો રિદ્ધિ જૈન અને સિદ્ધિ જૈન

એક જ સમયે, એકસાથે, એક જ માતાની કુખેથી ટ્વિન્સરૂપે જન્મનારાં બાળકોના ચહેરા, હાઇટ-બૉડી એકસરખાં હોય તોય સ્વભાવ, ગમો-અણગમો, વ્યક્તિત્વ ભિન્ન-ભિન્ન હોય છે. એ જ રીતે બેઉનાં નસીબ પણ અલગ-અલગ હોય છે. જોકે પુણેમાં રહેતી જોડિયા બહેનો રિદ્ધિ જૈન અને સિદ્ધિ જૈનના કેસમાં કુદરતે અનોખી કમાલ કરી છે. એકસરખી દેખાતી ૨૧ વર્ષની રિદ્ધિ અને સિદ્ધિનો નેચર એકબીજાથી ડિફરન્ટ હોવા છતાં નસીબ સરખું છે. બેઉને સંયમમાર્ગે જવાના એકસાથે ભાવ થયા છે. યસ, મૂળ ધાનેરાનાં લતા જૈન અને પ્રકાશમલ જૈનની જોડિયા દીકરીઓ રિદ્ધિ અને સિદ્ધિ ૧૮ જાન્યુઆરીએ ગુજરાતના ભીલડિયાજી તીર્થમાં ચારિત્ર અંગીકાર કરવાની છે.

નાનપણથી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાની નેમ રાખતી સિદ્ધિ ‘મિડ-ડે’ને કહે છે, ‘હું અને રિદ્ધિ બહુ અલગ છીએ. મને ભણવામાં બહુ રસ. તેને આર્ટ્સ અને એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટીઝમાં. મને સ્વીટ્સ ભાવે; જ્યારે તે મીઠાઈ બિલકુલ ન ખાય, ફક્ત તીખો ખોરાક જ ખાય. રિદ્ધિ એકદમ કૂલ અને તેને કોઈ વાતે ક્યારેય ટેન્શન ન આવે, જ્યારે મને નાની-નાની વાતનું પણ ટેન્શન થાય. અમે એક જ સ્કૂલ અને કૉલેજમાં ભણ્યાં. સાથે જ હતાં. અમારું ફ્રેન્ડસર્કલ પણ કૉમન હતું. છતાં અમારા બેઉની પર્સનાલિટી ટોટલ અલગ હતી.’

તો પછી દીક્ષા લેવાના ભાવ કઈ રીતે એકસાથે થયા? એના જવાબમાં રિદ્ધિ કહે છે, ‘મારાં કઝિન માસીએ દીક્ષા લીધી છે. અમારી ટેન્થની પરીક્ષાઓ પતી અને વેકેશન પડ્યું એટલે મારાં મમ્મીએ અમને ધાર્મિક જ્ઞાન મળે એ હેતુથી માસી મહારાજ પાસે રહેવા મોકલ્યાં. આમ તો પહેલેથી અમારા ઘરનું વાતાવરણ ધાર્મિક હતું. દરરોજ દેરાસરમાં સેવા-પૂજા કરવાનું અને પાઠશાળામાં ભણવાનું ચાલુ હતું. મને એ ગમે પણ ખરું. જોકે મહારાજ પાસે રહેવા જવાનું આવ્યું ત્યારે અમારે નહોતું જવું, પણ મમ્મીના આગ્રહથી અમે ગયાં. એ ત્રણ મહિના દરમિયાન અમને ત્યાં મજા આવી. સિદ્ધિને તો પહેલાં જવું જ નહોતું. પણ તેનેય ત્યાં ગમવા લાગ્યું.’

વેકેશન પૂરું થતાં રિદ્ધિ-સિદ્ધિ બેઉ પુણે આવી ગઈ અને કૉમર્સ કૉલેજમાં ઍડ્મિશન લઈ લીધું. ઇલેવન્થ-ટ્વેલ્થ પછી કૉલેજના ફર્સ્ટ યરમાં આવ્યા ત્યાં સુધી દીક્ષાનો ભાવ કે માસી મહારાજ પાસે રહેવા જવાનું આવ્યું નહીં. જોકે ૨૦૨૦માં કોવિડનું પેન્ડેમિક આવ્યું એટલે અગેઇન તેમના પેરન્ટ્સને થયું કે અહીં ટાઇમ પાસ થાય છે એના કરતાં ભલે દીકરીઓ મહારાજ સાહેબ પાસે જાય, ધર્મનું ભણશે અને જ્ઞાન મેળવશે. ત્યારે તેમનાં માસી મ.સા. પુણેની આસપાસ જ હતાં અને ફરી બેઉ બહેનો સાધ્વીજી પાસે રહેવા ગઈ. તેમના સંગમાં તેમને સંસારની અસારતા સમજાઈ અને દોઢ વર્ષ એટલે જ્યાં સુધી ઑનલાઇન કૉલેજ ચાલુ હતી ત્યાં સુધી ભણી. પછી સેકન્ડ યર બીકૉમની પરીક્ષા આપી જ નહીં.

સિદ્ધિ કહે છે, ‘અમે મહારાજસાહેબ પાસે સાથે જ રહેતાં હતાં, પણ મેં તેને કે તેણે મને ક્યારેય પૂછ્યું કે કહ્યું નથી કે મને દીક્ષા લેવાના ભાવ છે. બસ, દેવ-ગુરુની કૃપાથી એ સંયોગ થઈ ગયો.’

આ ટ્વિન્સ દીકરીઓ, ટ્વિન્સ દીકરાઓ અને એક દીકરી મળીને પાંચ સંતાનોનાં મમ્મી લતાબહેન કહે છે, ‘બેઉ દીકરીઓનો જન્મ અને ભણતર બધું જ સાથે થયું, ધાર્મિક જ્ઞાન પણ સાથે જ લીધું. પૂરાં ૨૧ વર્ષ સુધી સાથે રહી. હવે જો તેઓ સંસારમાં રહી હોત તો બન્ને જુદી પડી ગઈ હોત, પણ પ્રભુ મહાવીરના પંથે જાય છે એટલે હવે તેઓ હંમેશાં સાથે જ રહેશે. મા તરીકે મને એનો આનંદ છે જ. સાથે એક નહીં બે આત્માઓને શુભ માર્ગે મોકલી રહ્યા છીએ એનો વિશેષ આનંદ છે.’

૧૮ જાન્યુઆરીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભીલડિયાજી તીર્થ ખાતે રિદ્ધિ જૈન અને સિદ્ધિ જૈન અધ્યાત્મયોગી આચાર્ય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય આચાર્ય મુક્તિચંદ્રસૂરિ મ.સા., આચાર્ય મુનિચન્દ્રસૂરિ મ.સા.ના વરદહસ્તે સંયમ ગ્રહણ કરીને સાધ્વી શ્રી દિવ્ય ગુણાશ્રીજી મ.સા.નાં પ્રશિષ્યા બનશે.

mumbai mumbai news pune pune news alpa nirmal