03 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ ધારાવીમાં આવેલા ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ ઝેપ્ટોના ફૅસિલિટી સેન્ટરનું અચાનક ઇન્સ્પેક્શન કરતાં ત્યાં સ્વચ્છતાનો અભાવ અને ફૂડ સેફ્ટીને લગતા ઘણા બધા નિયમોનો ભંગ થતો જોઈ એનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. મુંબઈમાં ઝેપ્ટો પર કરવામાં આવેલી આ મોટી કાર્યવાહી છે. FDAના ઑફિસરો દ્વારા કરાયેલા ઇન્સ્પેક્શનમાં કેટલીક ફૂડ-આઇટમો પર ફૂગ ઊગેલી જોવા મળી હતી, જ્યારે કેટલીક આઇટમ પાણીની પાસે સ્ટોર કરાયેલી જોવા મળી હતી. કોલ્ડ સ્ટોરેજ પણ જરૂરી એટલા ટેમ્પરેચર પર મેઇન્ટેન નહોતું કરવામાં આવ્યું અને ફ્લોર પર પણ ગંદકી અને પાણી પડેલું જોવા મળ્યું હતું.
રાજ્યના FDAના પ્રધાન યોગેશ કદમે આપેલી ટિપના આધારે ઝેપ્ટો પર કરવામાં આવેલી આ કાર્યવાહી અંતર્ગત તપાસમાં એવુ પણ જણાઈ આવ્યું હતું કે એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી આઇટમો પણ ફ્રેશ આઇટમ સાથે જ રાખવામાં આવી હતી, એને અલગ નહોતી પાડવામાં આવી. આ તપાસ બાદ FDAનાં અસિસ્ટન્ટ કમિશનર અનુપમા બાળાસાહેબ પાટીલે ધારાવીમાં આવેલા એ ઝેપ્ટો ફૅસિલિટી સેન્ટરનું લાઇસન્સ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ હેઠળ સસ્પેન્ડ કર્યું હતું. આ સસ્પેન્શન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેઓ આ બધા જ ઇશ્યુ ક્લિયર કરી અને લાઇસન્સ ઑથોરિટી પાસેથી એ ક્લિયર ન કરાવે.
ઝેપ્ટોનું શું કહેવું છે?
ઝેપ્ટોના પ્રવક્તાએ આ બાબતે કહ્યું હતું કે ‘ફૂડ સેફ્ટીના હાઇએસ્ટ સ્ટાન્ડર્ડ્સ અને સ્વચ્છતા બાબતે કોઈ બાંધછોડ ન કરી શકાય. અમે ઑલરેડી આ બાબતે રીવ્યુ કરવાનું ચાલુ કરી દીધું છે અને બની શકે એટલી વહેલી તકે ઑથોરિટી સાથે મળી આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.’
બીજા ક્યાં સેન્ટર પર કાર્યવાહી?
ક્વિક કૉમર્સ કંપની ઝેપ્ટોનાં ધારાવી સિવાય ભિવંડી, બાંદરા-ઈસ્ટ અને બોરીવલીનાં ફૅસિલિટી સેન્ટર પર પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ભિવંડી અને બાંદરા-ઈસ્ટનાં લાઇસન્સ કૅન્સલ તો નહોતાં કરાયાં, પણ એને નોટિસ ફટકારવામાં આવી હતી. બોરીવલી ફૅસિલિટી સેન્ટરનું લાઇસન્સ ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, પણ એ પછી તેમણે જરૂરી પગલાં લઈ સુધારો કરતાં સસ્પેન્શન પાછું ખેચવામાં આવ્યું હતું.