✕

માર્ચ પહેલાં મુંબઈથી નવી મુંબઈ સ્થળાંતર નહીં થાય ફ્લાઇટ‍્સનું

14 October, 2026 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્લોબલ એવિયેશન મુખ્યત્વે બે શેડ્યુલ મુજબ કાર્ય કરે છે જેમાં સમર સીઝન માર્ચના છેલ્લા રવિવારે અને વિન્ટર સીઝન ઑક્ટોબરના છેલ્લા રવિવારે શરૂ થાય છે

પ્રતીકાત્મક તસવીર

અદાણી ગ્રુપ સંચાલિત મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (MIAL)એ મંગળવારે ઍરલાઇન્સને જાણ કરી હતી કે માર્ચ ૨૦૨૭માં શિયાળુ સીઝન પૂરી થાય ત્યાં સુધી મુંબઈ ઍરપોર્ટથી નવી મુંબઈ ઍરપોર્ટ પર કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ખસેડવાની તેમની યોજના નથી.

ગ્લોબલ એવિયેશન મુખ્યત્વે બે શેડ્યુલ મુજબ કાર્ય કરે છે જેમાં સમર સીઝન માર્ચના છેલ્લા રવિવારે અને વિન્ટર સીઝન ઑક્ટોબરના છેલ્લા રવિવારે શરૂ થાય છે. આનો અર્થ એ છે કે વર્તમાન વિન્ટર સીઝન ૨૭ માર્ચ, ૨૦૨૭ના રોજ સમાપ્ત થશે.

પ્રસ્તાવિત સ્થળાંતર વિશે ઍરલાઇન્સ અને અદાણી ગ્રુપ વચ્ચેનો વિવાદ ઑગસ્ટમાં શરૂ થયો હતો, જ્યારે MIALએ મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-1ના પુનર્વિકાસના ભાગરૂપે આશરે એક-તૃતીયાંશ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ નવી મુંબઈ ખસેડવા વિશે ચર્ચા શરૂ કરી હતી. બન્ને ઍરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.

ઑક્ટોબરની શરૂઆતમાં આ મુદ્દો ત્યારે વકર્યો જ્યારે MIALએ ઍરલાઇન્સને પચીસ ઑક્ટોબર સુધીમાં વીકલી ૭૭૦ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાંથી ૨૬૫ ફ્લાઇટ્સ ખસેડવા અને ૬ ઑક્ટોબર સુધીમાં ચોક્કસ ફ્લાઇટ્સની વિગતો આપવા જણાવ્યું હતું. ત્યાર બાદ મિનિસ્ટ્રી ઑફ સિવિલ ​એવિયેશન (MoCA)એ MIALને સ્થળાંતર યોજના મુલતવી રાખવા અને પરસ્પર સંમત અભિગમ પર ઍરલાઇન્સ સાથે મળીને કામ કરવા સૂચના આપી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર MIALએ મંગળવારે તમામ મુખ્ય ઍરલાઇન્સ સહિતના વિવિધ હિતધારકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સંમતિ સધાઈ હતી કે જો સ્થળાંતરની જરૂર પડશે તો એ તમામ ઍરલાઇન્સની કમર્શિયલ ટીમો સાથે ચર્ચા કર્યા પછી અને અત્યંત સૌહાર્દપૂર્ણ રીતે જ કરવામાં આવશે. 

mumbai news mumbai navi mumbai navi mumbai airport