હોળીને લીધે આગની હોળી?

22 March, 2023 08:50 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ફિલ્મસિટીની આગનું કારણ હોળીના સીનનું શૂટ હોઈ શકે છે એવું ફાયરબ્રિગેડને એક વિટનેસે કહ્યું, પણ હવે એ સાક્ષી મળી નથી રહ્યો : ફિલ્મસિટી અને મલાડ બંને આગની ઝીણવટભરી તપાસ

ફિલ્મસિટીની આગમાં ભારે નુકસાન થયું હતું (તસવીર : સમીર માર્કન્ડે)

૧૦ માર્ચે ગોરેગામ-ઈસ્ટની ફિલ્મસિટીમાં અને મલાડ-ઈસ્ટમાં અપ્પાપાડામાં આગ ફાટી નીકળી હતી. બંને આગ બહુ મોટી હતી. ફિલ્મસિટીની આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ અને અપ્પાપાડામાં એક જણનું મોત થયું હતું. જોકે બંને આગમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું એટલે એ બંને આગની ઝીણવટભરી તપાસ ફાયર બ્રિગેડ દ્વારા થઈ રહી છે.

ચીફ ફાયર ઑફિસર સંજય માંજરેકરે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોરેગામની ફિલ્મસિટીમાં જે આગ લાગી હતી એમાં એક આઇ-વિટનેસ પહેલાં સામે આવ્યો હતો અને તેણે કહ્યું પણ હતું કે શૂટિંગ વખતે હોળીનો કોઈ સીન ફિલ્માવાઈ રહ્યો હતો ત્યારે આગ લાગી હતી. જોકે એ પછી તે વિટનેસ પણ હાલ સામે નથી આવી રહ્યો. એ ઓપન સ્પેસવાળો સ્ટુડિયો છે અને વળી ત્યાં હાઇડ્રન્ટની લાઇન પણ છે. એમ છતાં ત્યાં સેટ પર ફાયર માર્શલ્સ રાખ્યા હતા કે નહીં અને ફાયર સેફ્ટીની પૂરતી કાળજી લેવાઈ હતી કે નહીં એ બાબતે અમારી તપાસ ચાલી રહી છે. અપ્પાપાડાની આગ બાબતે પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું છે કે એ આગ કચરામાં લાગી હતી અને ત્યાર બાદ ઝૂંપડાંઓમાં ફેલાઈ હતી. બંને આગની અમે ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છીએ.’

દરમિયાન ગોરેગામ ફિલ્મસિટીમાં અવારનવાર આગની ઘટનાઓ બની રહી હોવાથી અને સેટ પર અનેક કારીગરો અને ટેક્નિશ્યનો કામ કરતા હોવા છતાં ફિલ્મ અને સિરિયિલ મેકર્સ દ્વારા તેમની સુરક્ષાની બાબતે બહુ જ બેદરકારી દાખવવામાં આવે છે અને એથી કામગારો, કલાકારો અને ટેક્નિશ્યનોની સુરક્ષા જળવાઈ રહે એ માટે ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ અસોસિએશને આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખી રજૂઆત કરી છે. અસોસિએશનના પ્રેસિડન્ટ સુરેશ ગુપ્તાએ આ પત્રમાં માગ કરી છે કે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સિરિયલના સેટ પર આગી લાગી હતી, પણ એ આગ ફેલાતાં અન્ય બે સિરિયલોના સેટ પણ બળીને ખાખ થઈ ગયા હતા. ચિંતાની વાત એ છે કે સેટ પર ફાયર સેફ્ટીનાં કોઈ પણ જાતનાં પગલાં લેવાયાં નહોતાં. સેટ પર બાળકો પણ કામ કરી રહ્યાં હતાં અને જોખમી સીન ફિલ્માવવાનો હોવા છતાં કોઈ સ્ટન્ટમાસ્ટર હાજર નહોતો અને સેફ્ટી અરેન્જમેન્ટ્સ પણ નહોતી. આમ સેટ પર બેદરકારી દાખવવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. એથી આ સંદર્ભે ઝીણવટભરી તપાસ કરાય અને જવાબદાર લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવે. 

mumbai mumbai news film city malad bakulesh trivedi