દારૂખાનામાં આવેલા ગોડાઉનમાં ફાયર-સેફ્ટીની વ્યવસ્થા નહોતી

19 April, 2024 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફુટવેઅર, બૅગ્સ અને કોરુગેટેડ બૉક્સનું ગોડાઉન હોવાથી રે રોડની આગ ઝડપથી ફેલાઈ : ૬ કલાકની જહેમત બાદ કાબૂ મેળવી શકાયો

તસવીર :સૈયદ સમીર અબેદી

તળ મુંબઈના રે રોડ પર બ્રિટા​નિયા કંપનીની બાજુમાં આવેલા દેવીદયાલ કમ્પાઉન્ડમાં એક માળના ૧૦,૦૦૦ સ્ક્વેર ફુટના ગોડાઉનમાં ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ શા કારણે લાગી એ જાણી શકાયું નહોતું. ગોડાઉનમાં મોટા ભાગનું મટી​રિયલ જ્વલનશીલ હોવાથી બધું ભડ-ભડ બળવા માંડ્યું હતું અને સખત ધુમાડો નીકળી રહ્યો હતો. મૂળમાં આ દેવીદયાલ કમ્પાઉન્ડમાં અનેક કંપનીઓનો માલ સ્ટોર કરતાં ગોડાઉનો આવેલાં છે. એથી અહીં કામગાર ઓછા, ગણતરીના જ હોય છે પણ માલ બહુ જ સ્ટોર કરવામાં આવ્યો હોય છે. વળી એ માલનું પૅકે​જિંગ પૂંઠાના કોરુગેટેડ બૉક્સમાં કરવામાં આવ્યું હોય છે અને એ બૉક્સ બનાવવામાં પણ જે ગુંદર વપરાય છે એ પણ ઝડપથી સળગી ઊઠે એવો હોય છે. એથી આગ ટૂંક સમયમાં વધુ ફેલાઈ હતી. ફાયર કન્ટ્રોલના જણાવ્યા અનુસાર સવારે સાડાનવ વાગ્યે લાગેલી આગ પર છ કલાક બાદ બપોરે ૩.૩૦ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. જોકે એ પછી પણ કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. 

ચીફ ફાયર-ઑફિસર રવીન્દ્ર અંબુલગેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  ‘એ જગ્યા મૂળ BPTની છે. દેવીદયાલ કમ્પાઉન્ડમાં મોટાં-મોટાં ગોડાઉનો આવેલાં છે જેમાં અન્ય મટીરિયલ સાથે પ્લા​સ્ટિક 
અને પૂંઠાનું સ્ક્રૅપ મટીરિયલ પણ હોય છે. અમારા જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કન્ટ્રોલ મેળવ્યો હતો. જોકે એ ગોડાઉનોમાં ફાયર-સેફ્ટીને લગતાં કોઈ ઉપાયો કે ફાયર-એક્સ્ટિંગ્વિશર નહોતાં. ફાયરબ્રિગેડ હવે આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એની તપાસ કરી રહી છે.’ 

mumbai news fire incident