21 August, 2020 08:16 AM IST | Mumbai | Prakash Bambhrolia
કપોળ વિદ્યાનિધિ સ્કૂલ.
પ્રકાશ બાંભરોલિયા
મુંબઈ : કોરોના-સંકટમાં લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સરકારે મનાઈહુકમ બહાર પાડ્યો હોવા છતાં કેટલીક સ્કૂલો પેરન્ટ્સને ફી ભરવા માટે મજબૂર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. કાંદિવલીમાં આવેલી કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલે જેમણે ફી ન ભરી હોય તેમને સ્કૂલનું રિઝલ્ટ ન આપવાની સાથે ઓપન હાઉસમાં એન્ટ્રી ન આપવાના મેસેજ મોકલ્યા હોવાથી આવા પેરન્ટ્સ મૂંઝવણમાં મુકાયા છે.
મળેલી માહિતી મુજબ કાંદિવલીના મહાવીરનગરમાં આવેલી કપોળ વિદ્યાનિધિ સ્કૂલમાં ઓપન હાઉસ રખાયું હોવાના મેસેજ પેરન્ટ્સને મોકલાયા છે, જેમાં જણાવાયું છે કે જેમણે ફી ન ભરી હોય તેમને ઓપન હાઉસમાં એન્ટ્રી નહીં અપાય. ગઈ કાલે બપોરે આ મેસેજ જોઈને પેરન્ટ્સ ચોંકી ઊઠ્યા હતા. એક અંદાજ મુજબ આર્થિક મુશ્કેલીને કારણે ૩૦ ટકા જેટલા પેરન્ટ્સ સ્કૂલ-ફી નથી ભરી શક્યા.
મહાવીરનગરમાં રહેતા એક પેરન્ટે નામ ન જાહેર કરવાની શરતે
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂલમાં ઑનલાઇન એજ્યુકેશન સિવાયની બધી ઍક્ટિવિટી બંધ છે ત્યારે સ્કૂલે જે ચાલુ નથી એની ફી ન લેવી જોઈએ એવી માગણી સાથે કેટલાક પેરન્ટ્સનું ડેલિગેશન સ્કૂલમાં ગયું હતું. પ્રિન્સિપાલ ડૉ. રેશમા હેગડેને રજૂઆત કરી હતી. તેમણે મૅનેજમેન્ટ આ વિશે નિર્ણય લેશે એની જાણ બધાને કરવામાં આવશે. જોકે આવતી કાલે ઓપન હાઉસના મેસેજ મોકલાયા છે, જેમાં ફી બાકી હોય તેમને એન્ટ્રી નહીં મળે એવું લખવામાં આવ્યું છે. સ્કૂલ બંધ છે અને ઑડિયો-વિઝ્યુઅલ, કમ્પ્યુટર, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ ઍક્ટિવિટી નથી કરાવાતી તો સ્કૂલે એમાં રાહત આપવી જોઈએ. બીજું, છઠ્ઠા ધોરણની વાર્ષિક ફી ૭૪,૦૦૦ રૂપિયા ભરવાનું સ્કૂલે કહ્યું છે. એમાં શેની કેટલી ફી છે એની સ્પષ્ટતા નથી કરવામાં આવી. મૅનેજમેન્ટ આ વિશે કંઈ નહીં કરે તો અમારે સ્કૂલ સામે વિરોધ-પ્રદર્શન કરવું પડશે.’
સ્કૂલના કેટલાક પેરન્ટ્સ ચારકોપ વિધાનસભા મતદારક્ષેત્રના વિધાનસભ્ય યોગેશ સાગરને આ બાબતે મળ્યા હતા. યોગેશ સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલના પેરન્ટ્સ મારી પાસે આવ્યા હતા. ઑનલાઇન ટ્યુશન સિવાયની ફી ન લેવાની તેમની માગણી યોગ્ય છે. આજે બધા આર્થિક મુશ્કેલીમાં છે ત્યારે માત્ર કપોળ વિદ્યાનિધિ જ નહીં, બધી પ્રાઇવેટ સ્કૂલોએ સ્કૂલો બંધ હોવાથી બીજી ઍક્ટિવિટીની ફી ન લેવી જોઈએ. મેં આ વિશે સ્કૂલનાં પ્રિન્સિપાલ ડૉ. રેશમા હેગડે સાથે વાત કરી હતી. તેમણે મૅનેજમેન્ટ સાથે રજૂઆત કરીને જવાબ આપવાનું કહ્યું છે.’
ફી નહીં ભરી હોય તો ડિજિટલ ઓપન હાઉસમાં એન્ટ્રી નહીં મળે એવા મેસેજ પેરન્ટ્સને મોકલવા બાબતે ‘મિડ-ડે’એ સ્કૂલનાં પ્રિન્સિપાલ ડૉ. રેશમા હેગડેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે વાત નહોતી થઈ શકી.
--------------
બૉક્સ ૧…
સ્કૂલે પોલીસ બોલાવી
કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ગઈ કાલે બપોર બાદ કેટલાક પેરન્ટ્સે પ્રિન્સિપાલને મળવા માટેનો સમય લીધો હોવાથી તેઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. જોકે આ સમયે પ્રિન્સિપાલે પોલીસ-સ્ટેશનમાં ફોન કરતાં કાંદિવલી પોલીસ-સ્ટેશનની ટીમ સ્કૂલમાં આવી હતી અને પેરન્ટ્સને પોલીસ-સ્ટેશન લઈ ગઈ હતી.
કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન પોંદકુળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પેરન્ટ્સને કેટલીક મુશ્કેલી હોવાથી તેઓ સ્કૂલમાં પ્રિન્સિપાલને મળવા ગયા હતા. જોકે એક સમયે ૮થી ૧૦ પેરન્ટ્સ એકઠા થઈ ગયા હતા. બન્ને પક્ષે કંઈક બોલાચાલી થવાથી સ્કૂલમાંથી ફોન આવતાં અમારી ટીમ સ્કૂલ પહોંચી હતી અને કેટલાક પેરન્ટ્સને પોલીસ-સ્ટેશન લઈ આવી હતી. બધાની પૂછપરછ કરીને તેમને જવા દેવાયા હતા. કોઈની સામે કોઈ કેસ નથી નોંધાયો.’
પેરન્ટ્સ કેમ ઉકળ્યા?
ફીમાં રાહત આપવાથી લઈને ઑનલાઇન સ્ટડીમાં પડી રહેલી મુશ્કેલી બાબતે પ્રિન્સિપાલને મળવા માટે ૨૦થી ૨૫ પેરન્ટ્સે ગઈ કાલે સમય લીધો હતો. સ્કૂલમાં બધાને ત્રણેક કલાક સુધી બેસાડી રખાયા હોવાનું તેમનું કહેવું છે. એક પેરન્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂલ દ્વારા અત્યારે વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી ઓપન હાઉસ ચાલી રહ્યાં છે. જેઓ ફી નથી ભરી શક્યા તેમને ડિફૉલ્ટર કહીને અપમાન કરાઈ રહ્યું છે. અમારાં બાળકો અહીં ચાર-પાંચ વર્ષથી ભણે છે. અત્યાર સુધી અમે ક્યારેય લેટ ફી નથી ભરી ત્યારે સ્કૂલવાળાઓ આવી રીતે અમારું અપમાન કરે છે. આથી ૨૦થી ૨૫ લોકો સ્કૂલમાં પ્રિન્સિપાલ રેશમા હેગડેને મળવા ગયા હતા. તેમણે એક એક કરીને મળવાનું કહ્યું હતું, પરંતુ અમે બધા સાથે મળીને રજૂઆત કરવા માગતા હતા. આ જોઈને તેમણે પોલીસને બોલાવી લીધી હતી.’
આજે બધા લોકો આર્થિક મુશ્કેલીમાં છે ત્યારે માત્ર કપોળ વિદ્યાનિધિ જ નહીં, બધી પ્રાઇવેટ સ્કૂલોએ હવે સ્કૂલો બંધ હોવાથી બીજી ઍક્ટિવિટીની ફી ન લેવી જોઈએ. મેં આ વિશે સ્કૂલનાં પ્રિન્સિપાલ ડૉ. રેશમા હેગડે સાથે વાત કરી હતી. તેમણે મૅનેજમેન્ટ સાથે રજૂઆત કરીને જવાબ આપવાનું કહ્યું છે.
- યોગેશ સાગર, વિધાનસભ્ય
આઇસીએસઈ બોર્ડની કોઈ પણ સ્કૂલે ફી નથી ઘટાડી એટલે અમે પણ કોઈ રાહત નહીં આપીએ. હા, જેમની સ્થિતિ ખૂબ જ ખરાબ છે તેવા પેરન્ટ્સને અમે કન્સેશન આપી રહ્યા છીએ. કેટલાક પેરન્ટ્સ સ્કૂલમાં આવી ગયા હતા તેઓ એકસાથે મળવા માગતા હતા, પરંતુ કોવિડની સિચુએશનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જરૂરી હોવાથી મેં તેમને એક-એક કરીને આવવાનું કહ્યું હતું. જોકે તેઓ નહોતા માન્યા એટલે અમારે પોલીસને બોલાવવી પડી હતી.
- ડૉ. રેશમા હેગડે, કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલનાં પ્રિન્સિપાલ