11 May, 2023 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે પાક લોનનું વિતરણ કરતાં પહેલાં ખેડૂતોના સિબિલ સ્કોરનો આગ્રહ રાખનારી બૅન્કોએ એફઆઇઆરનો સામનો કરવો પડશે.
સિબિલ સ્કોર એ વ્યક્તિની ક્રેડિટ હિસ્ટરીનો આંકડાકીય સારાંશ છે, જે સિબિલ રિપોર્ટમાં મળેલી તેની ક્રેડિટ હિસ્ટરીનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે.
રાજ્યના પૂર્વીય ક્ષેત્ર માટે ખરીફ મોસમની સમીક્ષા-બેઠક યોજ્યા બાદ મંગળવારે અમરાવતીમાં પત્રકારો સાથે બોલતાં ફડણવીસે જણાવ્યું હતું કે ‘આ વિશેનો નિર્ણય રાજ્યસ્તરની બૅન્કિંગ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે તેમ જ રિઝર્વ બૅન્ક દ્વારા પણ આ સંબંધે સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. કેટલીક બૅન્કો અકારણ ખેડૂતોને પરેશાન કરતી હોય છે. આથી સરકાર પાસે આવી બૅન્કો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.’
અમરાવતીની કેટલીક બૅન્કોએ સબસિડીની રકમને ખેડૂતોની લોનની ચુકવણીના અકાઉન્ટમાં જમા કરી છે, જે યોગ્ય નથી. આવી બૅન્કોને કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો છે.