પાવનધામમાં કે પારસધામમાં ક્વૉરન્ટીન સેન્ટર ફરી શરૂ નથી થયું

22 February, 2021 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાવનધામમાં કે પારસધામમાં ક્વૉરન્ટીન સેન્ટર ફરી શરૂ નથી થયું

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલો મેસેજ

કાંદિવલીના પાવનધામમાં કે ઘાટકોપરના પારસધામમાં ક્વૉરન્ટીન સેન્ટર ફરીથી શરૂ થઈ રહ્યું છે એવા સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા મેસેજને પાવનધામના ટ્રસ્ટી અને ઘાટકોપર (ઈસ્ટ)ના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પરાગ શાહે સ્પષ્ટ શબ્દોમાં રદિયો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે આ મેસેજથી કોઈએ ગેરમાર્ગે દોરાવું નહીં.

મુંબઈમાં કોરોનાવાઇરસના કેસો વધવાની શરૂઆત થતાં જ સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાઇરલ થયો છે કે ‘કાંદિવલીના પાવનધામમાં શનિવારથી ફરીથી બોરીવલી અને ઘાટકોપરના જૈનો માટે ક્વૉરન્ટીન સેન્ટર શરૂ કરવામાં આવશે. આ ક્વૉરન્ટીન સેન્ટરમાં લંચ, ડિનર, બે ટાઇમ ચા-કૉફી, ફ્રૂટ્સ, સૂપ અને બધી જ દવાઓની સુવિધાઓ ફક્ત ૧૦૦૦ રૂપિયામાં આપવામાં આવશે. આ સિવાય આ ક્વૉરન્ટીન સેન્ટરમાં ડૉક્ટરોની મુલાકાત અને ઑક્સિજન સિલિન્ડરો જેવી સુવિધાઓ પણ ૧૦૦૦ રૂપિયામાં જ આપવામાં આવશે. આ ક્વૉરન્ટીન સેન્ટરમાં પ્રવેશ મેળવવા માટે નીરવ શાહનો મોબાઇલનંબર 98208 23*** અને પરાગ શાહનો મોબાઇલનંબર 93249 11*** પર સંપર્ક કરી શકાશે. આ ક્વૉરન્ટીન સેન્ટરમાં નાતજાતના કોઈ પણ ભેદભાવ વગર પ્રવેશ મળી શકશે. આ મેસેજને વધુમાં વધુ શૅર કરવામાં આવે જેથી જરૂરિયાતમંદો એનો લાભ લઈ શકે.’

આ મેસેજ સદંતર ખોટો છે અને મારા તરફથી પણ મેં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો મેસેજ ખોટો છે એવો મેસેજ વાઇરલ કરી દીધો છે એમ જણાવતાં પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરના પારસધામમાં કે કાંદિવલીના પાવનધામમાં ફરીથી કોઈ પણ ક્વૉરન્ટીન સેન્ટર શરૂ કરવામાં આવ્યું નથી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો મેસેજ સાવ જ ખોટો છે. લાગતાવળગતા લોકોએ આ બાબતની નોંધ લેવી અને મહેરબાની કરીને પાવનધામમાં ક્વૉરન્ટીન સેન્ટર શરૂ થાય છે એ મેસેજને વાઇરલ કરવો નહીં.’

mumbai mumbai news coronavirus covid19 kandivli ghatkopar