29 June, 2025 06:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Ethiopian Airlines Emergency Landing: ફરી એકવાર અદીસ અબાબાથી મુંબઈ આવી રહેલી ઈથિયોપિયન ઍરલાઇન્સની ફ્લાઇટ ET640માં શુક્રવારે મોડી રાત્રે મેજર ટેકનિકલ ખામી ઉદ્ભવી હતી. તમને જણાવી દઈએ કે ઍરલાઇન્સના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાનમાં હવામાં જ ડિપ્રેશરાઈઝેશનની સ્થિતિ સર્જાઇ હતી. અચાનકથી હવામાં આ ટેકનિકલ ખામી સર્જાઇ હોવાથી સાત જેટલાં પેસેન્જરોની તબિયત લથડવા લાગી હતી. અચાનકથી ટેકનિકલ ક્ષતિ આવી હોવાને કારણે વિમાનનું અડધી રાત્રે 1:55 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એક પેસેન્જરની તો હાલત એટલી બધી ગંભીર થઈ ગઈ હતી કે તેને ત્યાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આ વિમાનમાં લગભગ 300 પેસેન્જર્સ હતા. અને કુલ 11 ક્રૂ મેમ્બર્સ હતા. ફ્લાઇટ ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી મુંબઈ માટે ઊડી હતી. જ્યારે flait (ET-AXS) અરબી સમુદ્ર ઉપર ઊડી રહ્યું હતું ત્યારે તે 33,000 ફૂટની ઉંચાઈ પર હતું અને અચાનકથી કેબિનમાં દબાણ ઓછું થવા લાગ્યું હતું (Ethiopian Airlines Emergency Landing) અને પાઇલટે તરત વિમાનને નીચે લાવીને ઓછા ઊંચાઈ પરથી ઉડાડવાનું શરૂ કર્યું હતું.
પેસેન્જર્સની તબિયત બગડવા લાગી હતી
અચાનકથી વિમાનના કેબિનના દબાણમાં ઘટાડો થવાને કારણે જેના પેસેન્જર્સ અને ક્રૂને સ્વાસ્થ્ય તકલીફ થવા લાગી હતી. સાત જેટલા પેસેન્જર્સને તો શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેમાંથી કેટલાકે ચક્કર આવતા હોવાની પણ ફરિયાદ (Ethiopian Airlines Emergency Landing) કરી હતી. પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરીને વિમાનને મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડ કર્યું હતું. સાત અસ્વસ્થ પેસેન્જર્સને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી, જેમાંથી એક મુસાફરની હાલત બગડતાં તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અન્ય છ મુસાફરોને એરપોર્ટ પર જ પ્રાઇમરી ઉપચાર આપવામાં આવ્યો.
Ethiopian Airlines Emergency Landing: તમને એ પણ જણાવી દઈએ કે જ્યાં ઓક્સિજનની સાંદ્રતા ઓછી હોય તેટલી ઊંચાઈએ વિમાનો પર ઍર અને ઓક્સિજનનું દબાણ કરાતું હોય છે. ઇથોપિયન એરલાઇન્સમાં તાજેતરમાં જે ઘટના બની છે એની પાછળ આ જ સિસ્ટમમાં કોઈ ભૂલ થઈ હોવાનું સૂચવે છે. જેને કારણે કેબિનના દબાણમાં ઘટાડો થઈ જતો હોય છે. અને જેને કારણે વિમાનમાં બેઠેલા લોકોમાં ગભરાટ થાય છે. નાગરિક ઉડ્ડયન ઉદ્યોગની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે, ખાસ કરીને ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 સાથે હમણાં જે ભયાવહ દુર્ઘટના બની છે ત્યારબાદ સતર્કતા રાખવામાં આવી રહી છે. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં પણ નાગરિક ઉડ્ડયન નિયામક (DGCA) દ્વારા સત્તાવાર તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસમાં દુર્ઘટનાનું કારણ જાણવા માટે બ્લેક બોક્સ ડેટાની તપાસ પણ ચાલી રહી છે.