બીએમસીએ અજાણતાં કરી પર્યાવરણની રક્ષા

21 September, 2022 07:42 AM IST  |  Mumbai | Sameer Surve

છ મહિનાથી સુધરાઈમાં ઍડ્‍મીનિસ્ટ્રેટર હોવાથી જુદી-જુદી કમિટીઓની એક પણ મીટિંગ ન યોજાઈ હોવાથી એજન્ડા બનાવવા માટે પેપરનો ઉપયોગ નથી થયો. પરિણામે ૩૦ ટન પેપરનો બચાવ થતાં પર્યાવરણવાદીઓએ ભવિષ્યમાં એજન્ડા ઑનલાઇન રાખવાની કરી માગ

બીએમસીએ અજાણતાં કરી પર્યાવરણની રક્ષા


મુંબઈ : ઍડ્‍્મિનિસ્ટ્રેશન રૂલની શરૂઆત થઈ ત્યારથી છેલ્લા ૬ મહિનામાં સુધરાઈએ ૩૦ ટન કાગળની બચત કરી હોવાનો દાવો કર્યો છે. કૉર્પોરેટરો ન હોવાથી વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ નથી એથી એજન્ડા વગેરે માટે કાગળની જરૂર જ પડી નથી. હવે પર્યાવરણવાદીઓએ મુંબઈ કૉર્પોરેશન ભવિષ્યમાં એજન્ડા ઑનલાઇન જ સર્ક્યુલેટ કરે એવું સૂચવ્યું છે.
મુંબઈ સુધરાઈ સામાન્યતઃ એજન્ડા માટે દર અઠવાડિયે લગભગ બે લાખ જેટલાં કાગળનો વપરાશ કરે છે, જેનો ખર્ચ પ્રિન્ટિંગ સાથે કાગળદીઠ ૧.૨૫ રૂપિયા થાય છે. છેલ્લા ૬ મહિનામાં આ આંકડો ૧૦ ટકાથીયે વધુ ઘટ્યો છે એમ કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘મુંબઈ કૉર્પોરેશનનો એજન્ડા માટે કાગળો પાછળ વાર્ષિક ખર્ચ ૬૯ લાખ રૂપિયા છે. એ-૪ સાઇઝના દરેક કાગળનું વજન પાંચ ગ્રામ જેટલું હોય છે. કૉર્પોરેશન એજન્ડા માટે ૨.૫૦ લાખ કાગળ વાપરે છે. એનો અર્થ એ કે કૉર્પોરેશન પ્રત્યેક એજન્ડા માટે ૧.૨૫ ટન કાગળનો ઉપયોગ કરે છે. છેલ્લાં ૨૪ સપ્તાહમાં કૉર્પોરેશને લગભગ ૩૦ ટન કાગળ અને ૩૦ લાખ રૂપિયાની બચત કરી છે.’
પર્યાવરણવિદ આનંદ પેંઢારકરે જણાવ્યું હતું કે ‘સમિતિની બેઠકનો એજન્ડા હવેથી ઑનલાઇન જ સર્ક્યુલેટ કરવામાં આવે તો એ વધુ સારું રહેશે. આમ કરવાથી પૈસા અને કાગળ બન્નેની બચત થશે.’
પર્યાવરણ ઍક્ટિવિસ્ટ સ્ટાલિન દયાનંદે પણ આવું જ સૂચન કરતાં જણાવ્યું હતું કે ‘આમ કરવાથી કાગળ અને કરદાતાનાં નાણાં બચી જશે. ઑનલાઇન ડૉક્યુમેન્ટ્સ ગુમ થવાની કે નુકસાન થવાની શક્યતા તદ્દન ઓછી હોય છે. વળી, વર્ષો પછી પણ ડૉક્યુમેન્ટ્સ મેળવી શકાય છે. આથી, કૉર્પોરેશને આ પદ્ધતિ વિશે વિચારવું જોઈએ.’
મુંબઈ કૉર્પોરેશનના આઇટી વિભાગના અધિકારીએ જણાવ્યા પ્રમાણે ‘એજન્ડા ઑનલાઇન આપવો કે કાગળ સ્વરૂપે એનો નિર્ણય લેવાની સત્તા કૉર્પોરેશન ગૃહ પાસે છે. જો ગૃહ નક્કી કરે તો એજન્ડા ઑનલાઇન આપી શકાય છે.’
ઉલ્લેખનીય છે કે મુંબઈ કૉર્પોરેશનના ઍડ્મિનિસ્ટ્રેટરે ૨૦૦૭માં ઑનલાઇન એજન્ડા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે ૨૨૭ ચૂંટાયેલા કૉર્પોરેટર્સ અને પાંચ નૉમિનેટેડ સભ્યોને ૫૨,૦૦૦ રૂપિયાનાં લૅપટૉપ્સ ખરીદીને આપવામાં આવ્યાં હતાં, પણ કૉર્પોરેટર્સે ફિઝિકલ એજન્ડાની માગણી કરતાં લૅપટૉપ્સનો કશો ઉપયોગ થયો નહોતો અને કૉર્પોરેટર્સ-સભ્યોએ ટર્મ પછી એ પાછાં આપ્યાં હતાં.

mumbai news brihanmumbai municipal corporation