14 February, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં પ્રવેશવા અને બહાર જવા માટે રાજ્ય સરકારે કાર સહિતનાં નાનાં વાહનોને ટોલમુક્તિ આપી છે. આમ છતાં મુંબઈના પાંચમાંથી એક એન્ટ્રી-પૉઇન્ટ દહિસર ચેકનાકા પર ધસારાના સમયે ટ્રૅફિકની સમસ્યા છે. રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે એક અઠવાડિયામાં આ સમસ્યા દૂર નહીં થાય તો ટોલનાકું ફોડી નાખવાની ચીમકી આપી હોવાથી મીરા-ભાઈંદર ટ્રૅફિક પોલીસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાશીમીરાથી ટોલનાકા સુધીના ભાગમાં ટ્રક, ટ્રેલર અને મલ્ટિ-ઍક્સલ વાહનોના પ્રવેશ પર સવારે ૮થી ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન પ્રવેશબંધી લગાવવાનો આદેશ બહાર પાડ્યો છે.
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના ડેપ્યુટી પોલીસ-કમિશનર સુહાસ બાવચેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડમાં મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર દહિસર ચેકનાકા પાસે સવારે ધસારાના સમયે ટ્રૅફિકની સમસ્યા થતી હોવાની ફરિયાદ મળ્યા બાદ અમે કાશીમીરાથી દહિસર ટોલનાકા સુધી હાઇવે અને સર્વિસ રોડ પર ભારે વાહનોની પ્રવેશબંધી કરવાનો નિર્ણય લીધો છે. આથી સવારે ૮થી ૧૧.૩૦ વાગ્યા સુધી તમામ ભારે વાહનો પ્રવેશી નહીં શકે. આ વાહનોને મુંબઈમાં પ્રવેશ કરવાની મનાઈ છે, પણ આ વાહનો હાઇવે પર પાર્ક કરવાને કારણે બે-ત્રણ લેન બ્લૉક થઈ જાય છે. એને લીધે મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર તેમ જ થાણે તરફથી મુંબઈ તરફના રસ્તામાં ટ્રૅફિક જૅમની સમસ્યા થાય છે. શરૂઆતમાં ભારે વાહનચાલકોને વૉર્નિંગ આપવામાં આવશે. થોડા દિવસ બાદ પણ ભારે વાહનો પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરશે તો દંડ વસૂલવામાં આવશે.’