06 October, 2025 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રેનમાંથી ઊતરેલા એક મુસાફરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલો આ બનાવનો વિડિયો વાઇરલ થયો હતો
ભાઈંદર સ્ટેશન નજીક અજમેર-બાંદરા એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. એને કારણે ટ્રેન ભાઈંદર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૬ પાસે અટવાઈ ગઈ હતી. આ ટ્રેનની પાછળ આવતી દહાણુ-ચર્ચગેટ લોકલ ટ્રેન ભાઈંદર સ્ટેશનના સિગ્નલ નજીક પચીસ મિનિટ સુધી અટકી ગઈ હતી. કામ પર જવાની ઉતાવળ હોય એવા સમયે આગળની ટ્રેનના એન્જિનનું સમારકામ પૂરું થાય ત્યાં સુધી રાહ જોવાને બદલે મુસાફરોએ ટ્રૅક પર જ ચાલવાનું શરૂ કરી દીધું હતું. રવિવારે સવારે ૧૧.૫૦ વાગ્યે આ ઘટના બની હતી. આ ઘટનાને કારણે વેસ્ટર્ન રેલવેની અન્ય ટ્રેનો અપ સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. તેથી બપોરના સમયે લોકલ ટ્રેનનું ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું. એક્સપ્રેસ ટ્રેનના એન્જિનને ચાલુ થતાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ખામી દૂર થતાં ટ્રેનવ્યવહાર સામાન્ય બની ગયો હતો. ટ્રેનમાંથી ઊતરેલા એક મુસાફરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલો આ બનાવનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં ટ્રૅક પર ચાલીને જતા મુસાફરોની હાલાકી સ્પષ્ટ દેખાય છે.