દહિસરના ડાયમંડ પૉલિશિંગ યુનિટના કર્મચારીઓના માથે ઝેરી જોખમ

01 April, 2026 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કથિત અતિક્રમણથી ટેરેસ પર ચાલતી મેટલ-રિફાઇનરીના ટૉક્સિક ધુમાડાને લીધે પાંચ કામદારોએ હૉસ્પિટલમાં જવું પડ્યું

દહિસરની વર્કશૉપ જ્યાં પાંચ કર્મચારીઓ માંદા પડી ગયા હતા. તસવીરો: નિમેશ દવે

દહિસરની એક વર્કશૉપમાં કામ કરતા પાંચ કર્મચારીઓને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થતાં ગયા શનિવારે કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની જ ઇમારતમાં કાર્યરત એક મેટલ-રિફાઇનરીમાંથી નીકળતા ઝેરી ધુમાડાને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. જોકે કામદારોને એક દિવસમાં રજા આપી દેવામાં આવી હતી, પરંતુ તેમનું કહેવું છે કે આ ઝેરી ગૅસની અસર હજી પણ તેમના સ્વાસ્થ્ય પર વર્તાઈ રહી છે.

મિલન એક્ઝિમ નામના ડાયમંડની પૉલિશિંગ યુનિટના માલિક મિલન દવે દ્વારા કરવામાં આવેલી RTI અરજીના જવાબમાં ફાયર ડિપાર્ટમેન્ટે સ્વીકાર્યું છે કે તેમના બિલ્ડિંગમાં ટેરેસ પર કરવામાં આવેલું બાંધકામ એ અતિક્રમણ છે અને એ અગ્નિસુરક્ષા માટે અત્યંત જોખમી છે. BMCના અધિકારી સંજય સાંબ્રાએ જણાવ્યું હતું કે ‘અમે JSK રિફાઇનરીને ડિમોલિશન-નોટિસ આપી છે, પરંતુ હાલ મામલો અદાલતમાં હોવાથી બીજી એપ્રિલની સુનાવણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’

બીજી તરફ મહારાષ્ટ્ર પ્રદૂષણ-નિયંત્રણ બોર્ડે પણ માર્ચ મહિનામાં નોટિસ ફટકારી છે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પોલીસે આ મામલે FIR પણ નોંધ્યો છે.

ફરિયાદી શું કહે છે?

વધવાણી ઇન્ડ​સ્ટ્રિયલ એસ્ટેટમાં ડાયમન્ડ પૉલિશિંગ યુનિટ મિલન એક્ઝિમના માલિક મિલન દવેએ જણાવ્યું હતું કે ‘મારી વર્કશૉપ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે કાર્યરત છે, જ્યારે JSK રિફાઇનરી બીજા માળે અને કથિત રીતે અતિક્રમણ કરેલી ટેરેસ પર ચાલે છે. હું મહિનાઓથી આ બાબતે ચિંતિત છું. ઝેરી વાયુના આ ઉત્સર્જનને કારણે મારા કેટલાક કામદારો અને મને પણ ચામડી પર બળતરા અને શ્વાસની સમસ્યાઓ થઈ છે.

આ રિફાઇનરીમાં એસિડનાં સળગતાં ટીપાં જ્યાં પડે છે ત્યાં પાવર ઇન્સ્ટૉલેશન (વીજળીની વ્યવસ્થા) છે અને અહીંથી મેટ્રો સ્ટેશન માત્ર ૬૦ ફુટ દૂર છે જે એક ગંભીર હોનારત સર્જી શકે છે અને સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. મને સમજાતું નથી કે સત્તાવાળાઓએ આની મંજૂરી કેવી રીતે આપી. ટેરેસ પરની એક્ઝોસ્ટ-સિસ્ટમ આખો દિવસ આંખો અને ગળામાં બળતરા પેદા કરતા ધુમાડા સાથે ઍસિડિક ટીપાં છોડે છે, એના કારણે લગભગ ૨૧૦ જેટલા કામદારોનું જીવન જોખમમાં મુકાયું છે.’

રિફાઇનરીનો પ્રતિસાદ 

JSK રિફાઇનરીના માલિક પ્રશાંત પ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે ‘હું ટેરેસ પરના મારા કામકાજ ​વિશેની ચિંતાઓ સમજું છું અને એને જલદી ઉકેલવાનો પ્રયત્ન કરીશ. જોકે મિલન દવે ટેરેસ ઓનરશિપને લગતા છૂપા મકસદને કારણે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.’

 

mumbai news mumbai dahisar healthy living Crime News mumbai crime news