29 April, 2025 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કૈસર-એ-હિન્દ બિલ્ડિંગમાંથી EDની ઑફિસના મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ અને સામાન શિફ્ટ કરવામાં આવ્યા હતા. (તસવીરો : આશિષ રાજે)
બૅલાર્ડ પિયરમાં આવેલા કૈસર-એ-હિન્દ બિલ્ડિંગમાં ચોથા માળે આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની ઑફિસમાં શુક્રવારે મધરાત બાદ ૨.૩૦ વાગ્યે આગ લાગી હતી. કહેવાઈ રહ્યું હતું કે અનેક મહત્ત્વના, હાઈ-પ્રોફાઇલ કેસની તપાસ ED ચલાવી રહી હતી એના ડૉક્યુમેન્ટ્સ બળીને ખાખ થઈ ગયા હતા. જોકે ગઈ કાલે EDએ પ્રેસ-રિલીઝ બહાર પાડીને ચોખવટ કરી હતી કે કેસને લગતા પુરાવાના દસ્તાવેજો અને અન્ય મહત્ત્વના દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. એ સિવાય એ બધા ડૉક્યુમેન્ટ્સ સેન્ટ્રલાઇઝ્ડ રેકૉર્ડકીપિંગ સિસ્ટમ હેઠળ સાચવી રખાયા છે. વળી જે કેસમાં ફરિયાદ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે એ કેસના ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સ કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યા છે એથી કેસની તપાસમાં કે કોર્ટની કાર્યવાહીમાં કોઈ મુશ્કેલી પડશે નહીં.
આગની ઘટનાની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ચોથા માળે આવેલા ઇલેક્ટ્રિકના પાવરબૉક્સમાં શૉર્ટ-સર્કિટ થવાને લીધે આગ લાગી હોવાની શક્યતા છે. EDની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે આવેલી ઑફિસો ગઈ કાલે રાબેતા મુજબ ચાલુ હતી, જ્યારે ચોથા માળની બળી ગયેલી ઑફિસને તાત્કાલિક ધોરણે જન્મભૂમિ ચેમ્બરમાં આવેલી EDની જૂની રીજનલ ઑફિસમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.
રાજ્ય સરકારે માર્ચમાં જ EDને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ઑફિસના સ્ટૅન્ડ અલોન બિલ્ડિંગ માટે જગ્યા ફાળવી છે. હવે એ માટેની પ્રોસીજર ઝડપથી હાથ ધરવામાં આવશે.