18 April, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈથી અમરાવતી જતી વખતે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને કેન્દ્રના રાજ્યકક્ષાના એવિયેશન મિનિસ્ટર મુરલીધર મોહોળ.
મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિમાં મુખ્ય પ્રધાન બદલવામાં આવ્યા છે એની વિરોધીઓ સતત ટીકા કરી રહ્યા છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે અમરાવતીમાં નવા ઍરપોર્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘રાજ્યમાં ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સમયમાં વિકાસનાં અનેક કામ થયાં. એ પછી અચાનક સત્તામાં આવેલી મહાવિકાસ આઘાડીની સરકારે કામ બંધ કર્યાં. જોકે ૨૦૨૨માં જનતાના મનની મહાયુતિની સરકાર આવી ત્યારથી રાજ્યમાં ફરી વિકાસને ગતિ મળી છે. ખૂબ ઓછા સમયમાં અમરાવતી ઍરપોર્ટનું કામ કરવામાં આવ્યું છે. મહાવિકાસ આઘાડીની સરકારે મહત્ત્વની અનેક યોજના બંધ કરવાથી કલ્યાણકારી કામ અટવાઈ ગયાં હતાં. એ પછીની સરકારમાં પાઇલટ હું હતો, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર કો-પાઇલટ હતા. હવે દેવેન્દ્ર ફડણવીસ પાઇલટ છે અને અમે બન્ને કો-પાઇલટ છીએ. પાઇલટની સીટ બદલાઈ ગઈ હોવા છતાં વિકાસનું વિમાન સતત ઊંચી ઉડાન ભરી રહ્યું છે. ભૂતકાળમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં રસ્તા પર ઊતરીને મેં સમૃદ્ધિ મહામાર્ગનું કામ કર્યું. મુંબઈનો કોસ્ટલ રોડ, અટલ સેતુ, નવી મુંબઈનું ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ સહિતનાં અનેક વિકાસનાં કામ મહાયુતિની સરકારે કર્યાં છે.’