બસ ચલાવતી વખતે હાર્ટ-અટૅક આવતાં ડ્રાઇવરનું મોત

04 February, 2023 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છાતીમાં દુખાવો થતો હોવા છતાં પોતાની ફરજ બજાવીને બસ એક બાજુએ ઊભી કરતાં મોટી દુર્ઘટના ટળી 

બસ ચલાવતી વખતે હાર્ટ-અટૅક આવતાં ડ્રાઇવરનું મોત


મુંબઈ : મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનની પરિવહન સેવાના બસ-ડ્રાઇવરનું શુક્રવારે સવારે બસ ચલાવતી વખતે હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ થયું હતું. મોતના દરવાજે હોવા છતાં તેણે પોતાની ફરજ પહેલાં બજાવી હતી અને છાતીમાં દુખાવો થતાં બસને એક બાજુએ પાર્ક કરતાં દુર્ઘટના ટળી હતી. 
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનની પરિવહન સેવામાં છેલ્લાં ૧૫ વર્ષથી બસ-ડ્રાઇવર તરીકે કામ કરતો ચંદ્રશેખર વસાવે ગઈ કાલે સવારે વિરારના તેના ઘરેથી નીકળીને મીરા રોડ પર કામ પર પહોંચ્યો હતો. તેની મ્યુનિસિપલ કૉર્પોરેશનના મીરા રોડ ખાતે વેસ્ટર્ન પાર્કથી જોગેશ્વરી સુધીની બસ-નંબર ૧૭માં ડ્યુટી હતી. તે વેસ્ટર્ન પાર્કથી બસ લઈને જોગેશ્વરી પહોંચ્યો હતો. છેલ્લા સ્ટૉપ પર બસમાંના તમામ મુસાફરોને નીચે ઉતાર્યા પછી ચંદ્રશેખરે ફરી પાછા ફરવા માટે બસ ફેરવી હતી. તે જોગેશ્વરીથી વેસ્ટર્ન પાર્ક રૂટના સ્ટૉપ પર આવી રહ્યો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. એથી તેણે તરત જ બસ ઊભી રાખી હતી અને તેને હાર્ટ-અટૅક આવતાં ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે જોગેશ્વરીના બાળાસાહેબ ઠાકરે ટ્રૉમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનના પરિવહન વિભાગના એક કર્મચારીએ ‌‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચંદ્રશેખર વસાવે ખૂબ પ્રામા‌‌ણિક અને મહેનતુ કર્મચારી હતા. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. ચંદ્રશેખરના અવસાનથી મહાનગરપાલિકાના પરિવહન વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.’

mumbai news mira road