01 September, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ખાદ્ય સુરક્ષા વિશે દેશભરમાં વધી રહેલી ચકાસણી વચ્ચે પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લૅટફૉર્મ ઝોમાટોએ એક મહત્ત્વનો નિર્ણય લેતાં પોતાના પ્લૅટફૉર્મ પર ઍનલૉગ ડેરી પ્રોડક્ટ્સ ધરાવતી ડિશીઝના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ઝોમાટોએ અેની સાથે જોડાયેલી તમામ રેસ્ટોરાંને અસલ ડેરી ઉત્પાદનોનો જ ઉપયોગ કરવા અથવા પ્લૅટફૉર્મ પરથી ડી-લિસ્ટ થવાની ચેતવણી આપી છે.
સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં ઝોમાટોએ સ્પષ્ટ કર્યું હતું કે જે રેસ્ટોરાં પાર્ટનર્સે પોતાની ડિશીઝમાં કૃત્રિમ દૂધ અથવા ચીઝનો ઉપયોગ થતો હોવાની જાહેરાત કરી હતી અે તમામ વાનગીઓને પ્લૅટફૉર્મ પરથી હટાવી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના મહિનાઓમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજ્યોના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) વિભાગે ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે લાલ આંખ કરી છે જેના પગલે ઝોમાટોએ આ કડક પગલું ભર્યું છે.
ઍનલૉગ ડેરી ડિશીઝ શું છે?
ઍનલૉગ ડેરી ડિશમાં અસલી દૂધ, પનીર કે ચીઝના સ્થાને વનસ્પતિ તેલ જેવા સસ્તા વિકલ્પોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.