13 April, 2026 07:27 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં દાવો કર્યો હતો કે કૉન્ગ્રેસમાં તેમને દૂર કરવા માટે વાતાવરણ બની રહ્યું છે, કારણ કે તેઓ પાર્ટીને ચૂંટણીમાં જિતાડી શકતા નથી. નાગપુરમાં એક કાર્યક્રમ દરમ્યાન પત્રકારો સાથે વાત કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાહુલ ગાંધી ફક્ત પોતાના અસ્તિત્વ માટે અને તેમના નેતૃત્વને સતત હારથી બચાવવા માટે લડી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ગઈ કાલે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેમનો મુખ્ય ઉદ્દેશ બંધારણને ખતમ કરવાનો છે, કારણ કે તેઓ નથી ઇચ્છતા કે ભારતમાં દરેકને સમાન ગણવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘બંધારણ વિના આપણે જેને ભારત કહીએ છીએ એ ત્યાં ન હોત. આજે RSS-BJP જેવી માનસિકતા ધરાવતા લોકો બંધારણને ખતમ કરવા માગે છે. તેઓ ગમે તે કહે, પણ તેમનો મુખ્ય ઉદ્દેશ બંધારણને ભૂંસી નાખવાનો છે, કારણ કે તેઓ નથી ઇચ્છતા કે ભારતમાં દરેકને સમાન ગણવામાં આવે.’
એની સામે દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે ‘રાહુલ ગાંધીને દૂર કરવા માટે કૉન્ગ્રેસમાં વાતાવરણ બની રહ્યું છે, કારણ કે તેઓ પાર્ટી માટે ચૂંટણીમાં જીત અપાવવામાં અસમર્થ છે. રાહુલ ગાંધીએ તેમના પક્ષની અંદરના સંઘર્ષ પરથી ધ્યાન હટાવવા માટે આવાં નિવેદન આપ્યાં હતાં.’