26 December, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈમાં અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરીને નમન કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ.
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ગઈ કાલે ૧૦૧મી જન્મજયંતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના કાર્યાલયમાં તેમની શ્રદ્ધાંજલિ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. સાથે અટલ સુશાસન સંમેલન પણ યોજાયું હતું જેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અટલજીને સાચી શ્રદ્ધાંજલિ ૧૬ જાન્યુઆરીએ આપવામાં આવશે જ્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પર મહાયુતિનો ધ્વજ લહેરાશે. BMCમાં મહાયુતિ સરકાર બનાવવાનો સંકલ્પ એ ‘અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઔર કમલ ખિલેગા’ના સૂત્રને સાકાર કરવાનો સંકલ્પ છે. આ ચૂંટણી પારદર્શક અને પ્રામાણિક શાસન સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે લડવામાં આવી રહી છે.’
અટલજીનો વારસો આખા દેશને પ્રેરણા પૂરી પાડે છે એવું કહીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તૈયાર થઈ રહેલા નયા ભારતનો પાયો અટલજીએ નાખ્યો હતો. મુંબઈમાં વાજપેયીજીની સ્મૃતિને સન્માન આપવા માટે એક ભવ્ય સ્મારકનું નિર્માણ કરવાની સામૂહિક માગ છે. ભવિષ્યમાં આ માગ પૂરી થશે.’
મુંબઈ સહિત રાજ્યનાં ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં ૧૫ જાન્યુઆરીએ ઇલેક્શન થવાનું છે.