પેરન્ટ્સ હોવા છતાં અરિહા શાહને જર્મનીના અનાથાશ્રમમાં મોકલાઈ

25 May, 2023 08:02 AM IST  |  Mumbai | Rohit Parikh

માતા-પિતાને જણાવ્યા વગર ફોસ્ટર કૅર સેન્ટરમાંથી જર્મનીના અનાથાશ્રમમાં રહેવા મોકલી આપી છે બાળકીને : તેની માતા ધારા શાહે પોતાની દીકરીને બચાવીને ભારત પાછી લાવવા માટેની વિનંતી કરતો પ્રાર્થનાપત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના ચીફ મિનિસ્ટર..

પેરન્ટ્સ હોવા છતાં અરિહા શાહને જર્મનીના અનાથાશ્રમમાં મોકલાઈ


મુંબઈ : સપ્ટેમ્બર ૨૦૨૧થી જર્મનીના બર્લિનમાં આવેલા ફોસ્ટર ચાઇલ્ડ કૅર સેન્ટરમાં માતા-પિતાથી દૂર ઊછરી રહેલી ભારતીય મૂળની અરિહાને ભારત પાછી મોકલવાને બદલે જર્મન સરકારે આ મહિનામાં આંતરરાષ્ટ્રીય અને બાળઅધિકારોનું ઉલ્લંઘન કરીને માતા-પિતાને આ બાબતની જાણકારી આપ્યા વગર જ જર્મનીના નાગરિક ફોસ્ટર કૅર સેન્ટરમાંથી માનસિક રીતે અક્ષમ રહેતાં અનાથ બાળકોની સાથે રહેવા મોકલી આપી છે. જર્મન સરકારના આ પગલાથી અરિહાની માતા ધારા અને પિતા ભાવેશ શાહ એકદમ ભાંગી પડ્યા છે અને હચમચી ગયાં છે. ગઈ કાલે અરિહાની માતા ધારા શાહે જર્મનીમાંથી પોતાની દીકરીને બચાવીને ભારત પાછી લાવવા માટેની વિનંતી કરતો એક પ્રાર્થનાપત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલને લખ્યો હતો. આ પ્રાર્થનાપત્ર ધારા શાહે ગાંધીનગર જઈને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે ધારા શાહને ભારતના વિદેશ મંત્રાલયના માધ્યમથી તેઓ અરિહાને ભારત લાવવા માટે પૂરતા પ્રયાસો કરશે એવી હૈયાધારણ આપી હતી. 
આ પહેલાં એપ્રિલ મહિનામાં સપ્ટેમ્બર ૨૦૨૧થી જર્મનીના બર્લિનમાં આવેલા ફોસ્ટર ચાઇલ્ડ કૅર સેન્ટરમાં માતા-પિતાથી દૂર ઊછરી રહેલી ભારતીય મૂળની અરિહાને ભારત પાછી મોકલવી કે નહીં એનો નિર્ણય લેવાની સત્તા જર્મનીના ચાઇલ્ડ કૅર સેન્ટર, બંને દેશોના વિદેશપ્રધાનો અને એમ્બેસીઓની છે જેના માટે તેમણે તમામ પક્ષોની એક બેઠક કરીને નિર્ણય લેવો જોઈએ એવી સ્પષ્ટતા અરિહાનાં માતા-પિતા અને તેમના વકીલ સમક્ષ કરી હતી. જોકે જર્મન કોર્ટે અરિહાને તેની માતા ધારા અને પિતા ભાવેશ શાહને પાછા સોંપવા બાબતનો ચુકાદો મે મહિના સુધી અનામત રાખ્યો હતો. આ પહેલાં આ ચુકાદો ૩૧ માર્ચના કોર્ટ આપવાની હતી. 
અમારી અરિહાને અમને અથવા તો ભારત સરકારને સોંપવાની બાબતનો જર્મનીની કોર્ટ આદેશ આપે એ પહેલાં જ આ મહિનામાં અચાનક અમારી જાણ વગર અરિહાને ફોસ્ટર કૅર સેન્ટરમાંથી માનસિક રીતે અક્ષમ બાળકોના અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવી હતી એમ જણાવીને ધારા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારી દીકરીને પાછી લાવવા માટે છેલ્લાં બે વર્ષથી જર્મનીમાં અત્યંત ખર્ચાળ કાનૂની લડત લડી રહ્યા છીએ. અમે નિર્દોષ હોવા છતાં અને આ બાબતના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા પછી પણ અમારી અરિહાને પાછી સોંપવામાં જર્મન સરકાર ઠાગાઠૈયા કરી રહી છે. અમને પૂરો વિશ્વાસ હતો કે કોર્ટનો ચુકાદો અમારી તરફેણમાં જ આવશે. જોકે કોર્ટનો ચુકાદો આવે એ પહેલાં જ ચાઇલ્ડ સર્વિસે અમારી દીકરીને મેન્ટલ અનાથાશ્રમમાં મૂકીને અમારી દીકરીને ભારત પાછા લાવવાના બધા જ રસ્તા બંધ કરવાનો પ્રયાસ કર્યો છે.’
ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પ્રાર્થનાપત્રમાં ધારા શાહે કહ્યું છે કે ‘અમારી દીકરી ભારતીય નાગરિક છે, આપણા ગુજરાતની દીકરી છે. અરિહાને આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં ઉછેરવાનો સંવિધાનિક અધિકારી છે. અમે ભારતની આ દીકરીને જર્મનમાંથી ભારતમાં લાવવા માટે ભારતીય એમ્બેસી અને વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ, પરંતુ તેને ભારત લાવવાની પ્રક્રિયા વિલંબિત થઈ રહી છે. આ સંજોગોમાં અરિહાને બચાવી લેવા માટે આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. આપશ્રીના હસ્તક્ષેપ વગર અરિહાને પાછી લાવવી હવે અશક્ય જણાઈ રહ્યું છે. આપશ્રી બંને હવે અમારા માટે આશાનું છેલ્લું કિરણ છો. એમ માતા તરીકે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આપશ્રી બંને હસ્તક્ષેપ કરીને અમારી આ દેશની દીકરીને ખૂબ જલદી ભારતમાં ગુજરાતની ધરતી પર લાવી શકશો. અશ્રુભીની સંવેદના સાથે હું આપશ્રી બંનેને મારી દીકરીના દાદા બનીને નર્ક સમાન જર્મનીની ચાઇલ્ડ સર્વિસ પાસેથી છોડાવી લાવો એ માટે પ્રાર્થના કરું છું. ગુજરાતના ઇતિહાસમાં કોઈ વ્યથિત માતાએ જર્મનીથી ગાંધીનગર આવીને આવો પ્રાર્થના પત્ર કદાચ પહેલી વાર લખ્યો હશે.’
ધારા શાહે જર્મનીના ચાઇલ્ડ સર્વિસ સેન્ટર અને ત્યાંની સરકારની નીયત પર શંકા કરતાં કહ્યું હતું કે ‘ભાવેશ હમણાં જર્મનીમાં જૉબ ન હોવાથી અને તેના વિઝાની પણ અંતિમ તારીખ નજીક આવતી હોવાથી અમે જ્યારે કોર્ટને જણાવ્યું કે અમે ભારત પાછા ફરવા ઇચ્છીએ છીએ ત્યારે ચાઇલ્ડ સર્વિસે તરત જ બાળક પરના અધિકારોના સંપૂર્ણ સ્થળાંતર માટે અરજી કરી જેથી તેને જર્મન બાળસેવાઓના એકમાત્ર વાલીપણા હેઠળ જર્મનીમાં રાખી શકાય. આ તદ્દન ગેરવાજબી છે અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ અરિહાની ઓળખ, રાષ્ટ્રીયતા, સગપણ, વિશ્વાસ અને ભાષાના અધિકારોનું ઉલ્લંઘન છે.’

mumbai news germany