દેવેન્દ્ર ફડણવીસને ઔરંગઝેબ જેવા ક્રૂર શાસક કહેનારા કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ સામે કાર્યવાહી કરવાની માગણી

19 March, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે વિધાનસભા અને વિધાન પરિષદમાં મહાતિયુના નેતાઓએ હર્ષવર્ધન સકપાળ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસને ઔરંગઝેબ જેવા ક્રૂર શાસક કહેનારા કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ સામે કાર્યવાહી કરવાની માગણી

કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સકપાળે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરખામણી મોગલ શહેનશાહ ઔરંગઝેબ સાથે કરવા બદલ ગઈ કાલે વિધાનસભા અને વિધાન પરિષદમાં મહાતિયુના નેતાઓએ હર્ષવર્ધન સકપાળ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે વિધાનસભામાં કહ્યું હતું કે ‘આવું નિવેદન પક્ષના વરિષ્ઠોને ખુશ કરવા અને ન્યુઝમાં ચમકવા માટે કરવામાં આવે છે. આવું કહેનારાઓના મતની ટકાવારી ઘટે છે અને તેમની અસલિયત જાહેર થઈ જાય છે. મુખ્ય પ્રધાન જેવી મહત્ત્વની પોસ્ટ પરની વ્યક્તિ માટે આવી કમેન્ટ કરવામાં આવી હશે તો એ તપાસવામાં આવશે. જો કમેન્ટ બદનામી કરનારી જણાશે તો પગલાં લેવામાં આવશે.’

હર્ષવર્ધન સપકાળે રવિવારે કહ્યું હતું કે ‘ઔરંગઝેબ ક્રૂર રાજા હતો. આજના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ એટલા જ ક્રૂર શાસક છે. તેઓ હંમેશાં ધર્મઆધારિત સમસ્યાને સમર્થન કરે છે, પણ સરપંચ સંતોષ દેશમુખની હત્યા વિશે કંઈ કરતા નથી.’

હર્ષવર્ધન સપકાળના દેવેન્દ્ર ફડણવીસના નિવેદનના પડઘા ગઈ કાલે મુંબઈમાં ચાલી રહેલા રાજ્યના બજેટસત્રમાં પડ્યા હતા. મહાયુતિના નેતાઓએ હર્ષવર્ધન સપકાળના નિવેદનને વખોડી કાઢીને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પ્રવીણ દરેકર, અમોલ મિટકરી, ચંદ્રશેખર બાવનકુળે અને વિધાનસભ્ય રણધીર સાવરકર સહિતના નેતાઓએ કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. 

mumbai news mumbai aurangzeb political news maharashtra political crisis bharatiya janata party congress