સલીમ ખાન ઔર સલમાન ખાન, બહુત જલ્દ આપ કા મૂસેવાલા હોગા

06 June, 2022 08:35 AM IST  |  Mumbai | Shirish Vaktania

ગઈ કાલે સવારે આવી ધમકીભર્યો પત્ર સલીમ ખાન મૉર્નિંગ વૉક બાદ જે બેન્ચ પર બેસે છે ત્યાંથી તેમના બૉડીગાર્ડને મળી આવ્યો હતો

સલમાન ખાન અને સલીમ ખાન

ગઈ કાલે સવારે આવી ધમકીભર્યો પત્ર સલીમ ખાન મૉર્નિંગ વૉક બાદ જે બેન્ચ પર બેસે છે ત્યાંથી તેમના બૉડીગાર્ડને મળી આવ્યો હતો. જે જગ્યાએ આ લેટર મળ્યો છે એને લઈને પોલીસને કંઈક શંકાસ્પદ લાગી રહ્યું છે એટલે એણે ક્રાઇમ બ્રાન્ચને આ ફરિયાદની તપાસમાં લગાવી દીધી છે

સલમાન ખાન અને તેના પપ્પા સલીમ ખાનને મારવાના ધમકીભર્યા પત્ર બાદ ગઈ કાલે બાંદરા પોલીસે કેસ નોંધ્યો છે. આ પત્ર સલીમ ખાન દરરોજ મૉર્નિંગ વૉક અને કસરત બાદ જે બાંકડા પર બેસતા હતા ત્યાંથી મળ્યો હતો. એમાં લખ્યું હતું કે ‘સલીમ ખાન ઔર સલમાન ખાન, બહોત જલ્દી આપ કા મૂસેવાલા હોગા. -  કેજીબીએલબી.’

બૉલીવુડની ઘણી ફિલ્મોમાં સ્ક્રીનપ્લે લખનાર ૮૬ વર્ષના સલીમ ખાને પોલીસને કહ્યું હતું કે કોઈ અમારે માટે આ પત્ર મૂકીને ગયું હતું. તેમની દૈનિક પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવતી હોવાથી તેઓ ચિંતાતુર છે. સલીમ ખાન બાંદરા-વેસ્ટના બૅન્ડ સ્ટૅન્ડ નજીક આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં પત્ની સાથે રહે છે. સલમાન પણ એ જ બિલ્ડિંગમાં રહે છે. સલીમ ખાન દરરોજ પોતાના બૉડીગાર્ડ સાથે બાંદરા પ્રોમિનેડમાં મૉર્નિંગ વૉક માટે જાય છે.

પોલીસ-અધિકારીએ કહ્યું  કે ‘સલીમ ખાન કસરત કર્યા બાદ એક ચોક્કસ બાંકડા પર બેસે છે. ગઈ કાલે સવારે ૭.૪૦ વાગ્યે સલીમ ખાન પોતાના બૉડીગાર્ડ શ્રીકાંત તુકારામ હેગિસ્તે અને રાજકુમાર દુર્ગાપ્રસાદ ગુપ્તા સાથે હતા ત્યારે શ્રીકાંતને એક પત્ર બાંકડા પરથી મળ્યો હતો. સલીમ ખાને એ પત્ર ખોલ્યો તો એમાં હિન્દીમાં સલમાન અને સલીમ ખાનને મારી નાખવાની ધમકી અપાઈ હતી. સલીમ ખાને તરત તેના બૉડીગાર્ડને બાંદરા પોલીસ-સ્ટેશનના અધિકારી સોમનાથ પવારને જાણ કરવાનું કહ્યું. તેમણે પત્ર પણ પોલીસને આપ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે ‘અમે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે અને સમગ્ર વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરી આરોપીને ઓળખીને તપાસની શરૂઆત કરીશું.’

ક્રાઇમ બ્રાન્ચને આ પત્ર તેમ જ પંજાબી સિંગર સિધુ મૂસેવાલાની હત્યા કરનાર ગૅન્ગ વચ્ચે  સાઠગાંઠ હોવાની શંકા છે. દિલ્હીની તિહાર જેલમાં રહેલા ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને કૅનેડાના સિંગર ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી આરોપીએ સમગ્ર વિસ્તારની રેકી કરી હશે અને કસરત બાદ સલીમ ખાન ક્યાં બેસે છે એ પણ જાણી લીધું હશે.’

૨૯ મેએ પંજાબના માનસા જિલ્લામાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ સિધુ મૂસેવાલાની હત્યા કરી હતી.  
    

mumbai mumbai news bandra Salman Khan salim khan shirish vaktania