ટિકટૉક સ્ટારના મૃત્યુકેસને લીધે રાજ્યના રાજકારણમાં આવ્યો જોરદાર ગરમાટો

14 February, 2021 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટિકટૉક સ્ટારના મૃત્યુકેસને લીધે રાજ્યના રાજકારણમાં આવ્યો જોરદાર ગરમાટો

પૂજા ચવાણ

૨૨ વર્ષની ટિકટૉક સ્ટાર પૂજા ચવાણના કેસમાં રાજ્યના વનપ્રધાન સંજય રાઠોડનું નામ આવ્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. પુણેની એક સોસાયટીના ત્રીજા માળેથી નીચે પડી જવાને લીધે પૂજાનું મૃત્યુ થયું હતું. અત્યારે તો પોલીસ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ કરી રહી છે. જોકે પૂજા જેની સાથે રહેતી હતી તે અરુણ રાઠોડ અને રાજ્યના વનપ્રધાન વચ્ચે પૂજાના સંદર્ભમાં થયેલી વાતચીતની ૧૧ ટેપ વાઇરલ થયા બાદ વિરોધ પક્ષે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગણી કરી છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ પૂજાનું મૃત્યુ ગળા પર માર વાગવાને લીધે થયું છે.

આ મામલો એટલો બધો ચગ્યો છે કે બીજેપીના ઘણા નેતાઓએ ‌સરકાર પર હુમલો કરતાં વનપ્રધાનના રાજીનામાની માગણી કરી છે. એટલું જ નહીં, મુખ્ય પ્રધાનને પણ સાણસામાં લેવા તેમણે ઉદ્ધવ ઠાકરેને આ બાબતે પૂજાને ન્યાય અપાવવા કહ્યું છે. બીજી બાજુ શિવસેના પણ બહુ જ કાળજીપૂર્વક દરેક કદમ ઉઠાવી રહી છે. શુક્રવારે આ પ્રકરણ સામે આવ્યા બાદ એવું કહેવાય છે કે મુખ્ય પ્રધાને પોતે આખા કેસની માહિતી રાજ્ય પોલીસના વડા પાસેથી મેળવી હતી. એવું પણ કહેવાય છે કે શિવસેનાના જે પ્રધાનનું નામ આ કેસ સાથે જોડવામાં આવ્યું છે તેમણે પણ સીએમને મળવા માટે સમય માગ્યો હતો, પણ ઉદ્ધવ ઠાકરેએ હજી સુધી સમય નથી આપ્યો. એવું પણ કહેવાય છે કે સંજય રાઠોડે પૂજાની જવાબદારી અરુણ રાઠોડને આપી હતી અને એટલે જ તે પૂજાની સાથે રહેતો હતો. આ ખુલાસા બાદ આ કેસમાં વનપ્રધાનની સાથે અરુણ રાઠોડની ભૂમિકાની તપાસ થવી મહત્ત્વની બનતી હોવાનું વિરોધ પક્ષનું કહેવું છે.

વિદર્ભના પરલીમાં રહેતી પૂજા ચવાણ અંગ્રેજી શીખવા માટે પુણેમાં રહેતી હતી. અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે અરુણ રાઠોડ પૂજાનો ભાઈ હતો, પરંતુ હવે એવી માહિતી આવી રહી છે કે અરુણ રાઠોડ તેનો રિલેટિવ નથી. આ જ કારણસર પોલીસ પણ તેની તલાશ કરી રહી છે. આ કેસમાં બીજી મહત્ત્વની માહિતી એ સામે આવી છે કે પૂજા એક સમયે બીજેપીનાં નેતા પંકજા મુંડે અને તેમની બહેન અને સંસદસભ્ય પ્રીતમ મુંડેના સંપર્કમાં હતી. એટલું જ નહીં, બે વર્ષના તેમના સંપર્ક દરમ્યાન પૂજાએ બીજેપીની સદસ્યતા પણ લીધી હતી. જોકે ત્યાર બાદ તે સંજય રાઠોડના સંપર્કમાં આવી હતી અને એક સમયે મૉડલિંગમાં કારર્કિદી બનાવવાનું નક્કી કરનાર ટિકટૉક સ્ટારે રાજનીતિમાં આવવવાનું નક્કી કર્યું હતું.

mumbai mumbai news indian politics tiktok