રિમ્પલને પપ્પાની ખોટ ન સાલે એ માટે કરેલું બધું સાવ વ્યર્થ ગયું

18 March, 2023 07:55 AM IST  |  Mumbai | Shirish Vaktania

આવો આક્રોશ છે રિમ્પલના મામાનો : ભાણી પર શંકા જતાં હું પોલીસ પાસે ગયો એમ જણાવીને લાલબાગમાં હત્યાનો ભોગ બનેલી વીણા જૈનના ભાઈએ કહ્યું કે મને લાગ્યું કે રિમ્પલ કંઈક છુપાવી રહી છે

મૃતક વીણાબહેન જૈન, પુત્રી રિમ્પલ જૈન

ભાણી રિમ્પલનો બર્થ-ડે ૧૬ માર્ચે હતો જેની ઉજવણી બહેન વીણા સાથે કરવા ૧૪ માર્ચે મામા સુરેશ પોરવાલ તેમના ઘરે આવ્યા, પરંતુ ત્યારે ખબર પડી કે ૨૪ વર્ષની ભાણીએ પોતાની મમ્મીની હત્યા કરી હતી. છેલ્લા બે દાયકાથી ભાણી રિમ્પલ તેમ જ તેમની મમ્મીની સંભાળ રાખનાર મામાએ કહ્યું હતું કે ‘મેં ભાણીની તમામ ઇચ્છાઓ પૂરી કરી હતી. તેના શિક્ષણનો ખર્ચ પણ ઉપાડ્યો હતો. તેના જન્મ પહેલાં જ તેના પપ્પા મૃત્યુ પામ્યા હોવાથી તેમની ખોટ ન સાલે એવા બનતા પ્રયત્નો કર્યા હતા, પરંતુ બધું જ વ્યર્થ ગયું. લાલબાગના ઘરમાં મેં મારી બહેનના શરીરના ટુકડાઓ જોયા.’

બુધવારે કાલાચૌકી પોલીસે માતાની હત્યાના ગુનાસર રિમ્પલની ધરપકડ કરી હતી. લાલબાગ નાકામાં આવેલી ઇબ્રાહિમ કાસમ ચાલમાં છેલ્લાં ૧૫ વર્ષથી રિમ્પલ પોતાની મમ્મી વીણા સાથે રહેતી હતી. સુરેશ પોરવાલે કહ્યું હતું કે ‘મારી બહેન છેલ્લાં ૨૦ વર્ષથી એક જીવલેણ રોગનો ભોગ બની હતી. તેનો પતિ પણ એ જ રોગનો શિકાર બન્યો હતો. મને ખબર હતી કે મારી બહેન આ રોગમાંથી ક્યારેય સંપૂર્ણ સાજી નહીં થાય. હું જ તેનાં ભાડાં, ભોજન અને અન્ય ખર્ચા ઉપાડતો હતો. મેં રિમ્પલને કંઈક કામ કરવા તેમ જ સફળ મહિલા બનીને ઘર ચલાવવા માટે કહ્યું હતું. મેં મારી દીકરીનું ઉદાહરણ પણ આપ્યું હતું જે મારા પરિવારને મદદગાર બની રહી છે. જોકે તેણે કામ કરવાની ના પાડી હતી. અગાઉ તેઓ વિરારમાં રહેતાં હતાં, પરંતુ ૧૫ વર્ષ પહેલાં તેઓ લાલબાગમાં આવ્યાં હતાં. ત્યારે રિમ્પલ માત્ર પાંચ વર્ષની હતી. રિમ્પલ પણ એક આજ્ઞાંકિત દીકરી હતી તેમ જ મમ્મી અને દીકરી વચ્ચે સારો પ્રેમ હતો. રિમ્પલ એની મમ્મીની જ હત્યા કરશે એવી હું કલ્પના પણ નથી કરી શકતો.’

રિમ્પલના વર્તનમાં ફેરફાર

મામા સુરેશ પોરવાલે કહ્યું હતું કે ‘છેલ્લાં ત્રણ વર્ષથી મારી બહેનનું સ્વાસ્થ્ય કથળતું જતું હતું તેમ જ રિમ્પલનું વર્તન પણ અચાનક બદલાયું હતું. તે વીણાને હેરાન કરતી હતી, પરંતુ હું જ્યારે પણ વીણાને પૂછતો તો તે ટાળી દેતી હતી. માતાની બીમારીને કારણે રિમ્પલ હતાશ થઈ હતી. તેના સ્વભાવમાં આવેલું પરિવર્તન મારા માટે આચંકાજનક હતું.’

હત્યામાં અન્યોની સંડોવણી

સુરેશ પોરવાલે વધુમાં કહ્યું હતું કે ‘૧૪ માર્ચે હું તેમના ઘરે ગયો ત્યારે પહેલાં રિમ્પલે કહ્યું કે વીણા સૂતી છે. મેં દરવાજો ખોલવા કહ્યું તો રિમ્પલે ના પાડી તેમ જ તે સીડી પરથી પડી જતાં લકવાનો ભોગ બની હોવાનું કહ્યું. અત્યારે તેને કાનપુર સારવાર માટે મોકલી હોવાનું કહ્યું હતું.’

છેવટે શંકા જતાં મામાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને પોલીસને કબાટમાંથી વીણાના શરીરના અવયવો મળ્યા હતા. સુરેશ પોરવાલે કહ્યું હતું કે ‘રિમ્પલ એકલા હાથે કોઈ નિર્ણય લઈ શકે એમ નહોતી. અન્ય કોઈએ રિમ્પલને હત્યામાં તેમ જ તેના મૃત શરીરનો નિકાલ કરવામાં મદદ કરી હોવી જોઈએ.’ 

mumbai mumbai news mumbai crime news shirish vaktania