૩૧ વર્ષના યુવકને લન્ગ્સ ટ્રાન્સપ્લાન્ટ માટે ૩૫ લાખ રૂપિયાની જરૂર છે

01 June, 2023 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દહિસરના કડિયાકામ કરતા આ યુવકનાં બંને ફેફસાં ૯૦ ટકા કામ ન કરતાં હોવાથી ડૉક્ટરોએ બીજો કોઈ વિકલ્પ ન હોવાનું કહ્યું

રિલાયન્સ હૉસ્પિટલમાં સારવાર લઈ લઈ રહેલો ૩૧ વર્ષનો હરેશ કાછડિયા

દહિસરમાં રહેતા અને કડિયાકામ કરતા ૩૧ વર્ષના યુવકનાં બંને ફેફસાં ૯૦ ટકા કામ ન કરતાં હોવાથી ડૉક્ટરોએ ૩૫ લાખ રૂપિયાના ખર્ચે લન્ગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાનું કહ્યું છે. દરદી અત્યારે ચર્ની રોડમાં આવેલી સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે આ ઑપરેશન માટે તબીબી સહાય કરવાની અપીલ કરી છે.

દહિસરમાં રહેતા ૩૧ વર્ષના હરેશ કાછડિયાનાં ફેફસાં નકામા થઈ ગયાં હોવાથી ત્રણ વર્ષથી બેડ પર છે. હરેશના મોટા ભાઈ હિરેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કડિયાકામ કરીએ છીએ. ત્રણ વર્ષ પહેલાં હરેશને શ્વાસ લેવાની તકલીફ થવા માંડી હતી. અમે રિપોર્ટ કરાવ્યા તો ખ્યાલ આવ્યો કે તેનાં બંને ફેફસાં ૯૦ ટકા કામ નથી કરતાં. હવે ફેફસાં રિકવર થવાના કોઈ ચાન્સ નથી. અત્યારે હરેશની સારવાર એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં ચાલી રહી છે. ડૉક્ટરોએ લન્ગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અંદાજિત ૩૫ લાખ રૂપિયાનો ખર્ચ કહ્યો છે. કોવિડ મહામારી બાદ કામકાજ હજી પણ બરાબર ચાલી નથી રહ્યું એટલે અમે આટલો ખર્ચ કરવાની સ્થિતિમાં નથી.’

મૂળ અમરેલી જિલ્લાના લાઠી ગામના લેઉવા પટેલ સમાજના હરેશ કાછડિયાના ઑપરેશન માટે મદદ કરવા રિલાયન્સ હૉસ્પિટલમાં ઑનલાઇન કે ઑફલાઇન પેમેન્ટ કરી શકાશે. હરેશ કાછડિયાનો ઇનપેશન્ટ નંબર MRN No. 0010359678 છે. ઑનલાઇન પેમેન્ટ કરવા માગતા લોકો રિલાયન્સ હૉસ્પિટલની https://epayments.rfhospital.org/ સાઇટ પર ક્લિક કરીને હરેશ કાછડિયાના MRN No. 0010359678 નંબર પર કરી શકશે.

mumbai mumbai news dahisar