સાબરમતી રિવરફ્રન્ટ સ્ટાઇલમાં દહિસર નદીની થશે કાયાકલ્પ

12 May, 2026 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નદીના બન્ને કાંઠે ૪.૫ કિલોમીટરના વિસ્તારમાં બોટિંગ અને ઇકો-ટૂરિઝમ હબ તૈયાર થશે

કૅબિનેટ મિનિસ્ટર પીયૂષ ગોયલ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની મજા હવે મુંબઈમાં પણ માણી શકાશે. દહિસર નદીના રિજુવનેશન અને બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હેઠળ નદીના બન્ને કાંઠે ૪.૫ કિલોમીટર સુધીના વિસ્તારને રિવરફ્રન્ટની જેમ ડેવલપ કરવાની યોજના છે.

કૅબિનેટ મિનિસ્ટર પીયૂષ ગોયલે રવિવારે આ પ્રોજેક્ટની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘દહિસર નદીને ઇકો-ટૂરિઝમ અને એન્ટરટેઇનમેન્ટ હબ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં આકર્ષક લાઇટિંગ અને બોટિંગ જેવી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)માંથી નીકળતી આ નદી આખું વર્ષ વહેતી રહે એ માટે પાર્કની અંદર ૭ રેઇનવૉટર હાર્વેસ્ટિંગ ફૅસિલિટી પણ બનાવવામાં આવશે.’

બોરીવલીની સુકુરવાડી અને ઇન્દિરાનગર ખાતે કુલ ૬.૫ MLD ક્ષમતાના બે અત્યાધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. હાલમાં આ શુદ્ધ પાણી નદીમાં છોડવામાં આવે છે, જેનો ભવિષ્યમાં પીવા સિવાયના હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે.

આશરે ૨૪૬ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનું પહેલા તબક્કાનું ૯૯ ટકા કામ પૂરું થઈ ગયું છે. જોકે નદીકાંઠા પરનાં કેટલાંક અતિક્રમણોને કારણે સર્વિસ રોડ અને ડ્રેનેજ લાઇનનું થોડું કામ હજી બાકી છે. નદીકિનારે રહેતા અસરગ્રસ્તો માટે ૧૬૪૦ જેટલાં મકાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. 

પીયૂષ ગોયલે BMCને દહિસર અને પોઇસર નદીઓને ઊંડી કરવાની અને કાંપ કાઢવાની કામગીરી કરવા પણ સૂચના આપી છે જેથી ચોમાસામાં પૂરની સમસ્યા ટાળી શકાય. 

૧૭ કિલોમીટર લાંબી દહિસર નદી એક સમયે એટલી નિર્મળ હતી કે ત્યાં ‘બૈજુ બાવરા’ જેવી ફિલ્મોનું શૂટિંગ થતું હતું. 

mumbai news mumbai dahisar Sabarmati Riverfront piyush goyal brihanmumbai municipal corporation