19 August, 2024 06:41 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે પૈસા ઉધાર રાખીને થોડી વારમાં મોકલાવું છું કે પછી સર્વર કામ નથી કરતું જેવાં બહાનાં બનાવીને ખાસ કરીને વેપારીઓ સાથે છેપરપિંડી થતી જોવા મળે છે. જોકે મલાડમાં એક ઝવેરી સાથે સોનું લઈને પૈસા આપ્યા બાદ ચીટિંગ થઈ હોવાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મલાડમાં આવેલી રુચિરા જ્વેલર્સમાં શુક્રવારે બે લોકોએ પાંચ લાખ રૂપિયાનાં સોનાનાં બિસ્કિટ અને ચેઇન લીધા બાદ એની સામે RTGS દ્વારા પેમેન્ટ મોકલ્યા બાદ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ એના ૩૩ વર્ષના માલિક મિતેશ જૈને શનિવારે મલાડ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. સોનાનાં બિસ્કિટ લેવા આવેલા બે લોકોએ જે પૈસા RTGSથી મોકલ્યા હતા એ પૈસા સાઇબર છેતરપિંડીમાં એક યુવાન પાસેથી પડાવ્યા હોવાથી એની ફરિયાદને લીધે તેલંગણ પોલીસે આ પાંચ લાખ રૂપિયા ફ્રીઝ કરાવી દીધા હતા.
આરોપીઓ શુક્રવારે સવારે જ્વેલરની દુકાને આવીને RTGS પેમેન્ટ લેશોને એમ પૂછી ગયા હતા. એ માટે જ્વેલરે હા પાડતાં તેઓ એ જ દિવસ બપોરે આવી ૫,૦૧,૧૯૯ રૂપિયાનાં બિસ્કિટ અને ચેઇન ખરીદી ૧૧૯૯ રૂપિયા રોકડા આપીને બાકીના પાંચ લાખ રૂપિયા RTGS કરાવ્યા હતા એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે સાડાઅગિયાર વાગ્યે આવેલા બે લોકોએ જ્વેલરનો બૅન્ક-અકાઉન્ટ નંબર લીધો હતો. ત્યાર બાદ બપોરના અઢી વાગ્યાએ બન્ને લોકો ફરી જ્વેલરની દુકાન પર આવ્યા હતા. તેમણે સોનાનાં ૬૦ ગ્રામનું એક બિસ્કિટ અને ૧૩ ગ્રામની ચેઇન ખરીદ્યાં હતાં અને પાંચ લાખ રૂપિયા રુચિરા જ્વેલર્સના યુનિયન બૅન્કના ખાતામાં RTGS દ્વારા મોકલ્યા હતા. પૈસા ખાતામાં જમા થઈ ગયા હોવાનો બૅન્ક તરફથી જ્વેલરને મેસેજ પણ આવ્યો હતો. આ ઉપરાંત બાકીના ૧૧૯૯ રોકડા ચૂકવ્યા હતા. ત્યાર બાદ બન્ને માણસો સોનાનાં બિસ્કિટ અને ચેઇન લઈને જતા રહ્યા હતા. ત્યાર બાદ એ જ દિવસે સાંજે ૬ વાગ્યે મિતેશને યુનિયન બૅન્કનો એક મેસેજ મળ્યો હતો જેમાં તેના ખાતામાંથી પાંચ લાખ રૂપિયા ફ્રીઝ કરી દીધા હોવાનું જણાવવામાં આવ્યું હતું. એ મેસેજ મળ્યા બાદ ચોંકી ઊઠેલા મિતેશે શનિવારે સવારે બૅન્કમાં જઈને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેલંગણમાં રહેતી સાઈ કિરણ નામની વ્યક્તિ સાથે પાંચ લાખ રૂપિયાની સાઇબર છેતરપિંડી કરીને એ પૈસા રુચિરા જ્વેલર્સના બૅન્ક-ખાતામાં RTGS કરાવવામાં આવ્યા હતા. એની ફરિયાદ તેલંગણ સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાતાં તેમણે બૅન્કને પૈસા ફ્રીઝ કરવા માટેની સૂચના આપી હતી. અંતે પોતાની સાથે પણ થયેલી છેતરપિંડીની ખાતરી થવાથી તેમણે અમારી પાસે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં જ્વેલરની દુકાનમાં આવેલા લોકોની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર તેઓ અહીંના લોકલ લોકો હોવાની જાણ અમને થઈ છે.’