નાઇરોબીથી આવેલી મહિલા પાસેથી ૩૪૦૪ ગ્રામ સોનું પકડાયું

03 October, 2023 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍરપોર્ટ પર ઍર ઇન્ટેલિજન્સને પહેલેથી જ એ વિશે માહિતી મળી હોવાથી અધિકારીઓએ તેને રોકીને તેનો સામાન તપાસ્યો હતો

જપ્ત કરાયેલું સોનું

ઍર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર શનિવારે નાઇરોબીથી આવેલી ૪૦ વર્ષની એક મહિલા પાસેથી ૩૪૦૪ ગ્રામ દાણચોરીથી લવાયેલું સોનું પકડી પાડ્યું હતું.

દાણચોરીના સોના સાથે પકડાયેલી સરાહ મોહમ્મદ ઓમર ૪૦ વર્ષની છે અને તે ઇંગ્લૅન્ડ અને નૉર્થ આઇલૅન્ડનો પાસપોર્ટ ધરાવે છે. ઍરપોર્ટ પર ઍર ઇન્ટેલિજન્સને પહેલેથી જ એ વિશે માહિતી મળી હોવાથી અધિકારીઓએ તેને રોકીને તેનો સામાન તપાસ્યો હતો. તેની તલાશી લેતાં તેનાં આંતઃવસ્ત્રોમાં અને શરીરમાં છુપાવેલું ૩૪૦૪ ગ્રામ દાણચોરીનું સોનું મળી આવ્યું હતું. એઆઇયુએ તેની સામે કેસ નોંધીને તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૪ દિવસની જેલ-કસ્ટડી આપી હતી. આ સોનું તે અહીં કોને આપવાની હતી, તે કોઈ મોટી સિન્ડિકેટની સભ્ય છે, તેને આ સોનું દાણચોરીથી ભારતમાં ઘુસાડવા માટે માત્ર કમિશન મળવાનું હતું, તેની સાથે અન્ય લોકો સંકળાયેલા છે કે નહીં એ બાબતોની તપાસ હવે ચાલી રહી છે.  

nairobi mumbai airport chhatrapati shivaji international airport Crime News mumbai crime news mumbai mumbai news