નવાબ મલિકને રાહત નહીં, કિડની સંબંધિત બિમારી છતાં 22 એપ્રિલ સુધી લંબાવાઈ કસ્ટડી

18 April, 2022 04:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જોકે, NCP નેતાએ ખરાબ સ્વાસ્થ્યને લઈ ફરિયાદ કરી હતી, પણ તેમની આ ફરિયાદનો કોઈ ફાયદો ન થયો અને તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં.

નવાબ મલિક

મુંબઈ: મુંબઈની એક વિશેષ અદાલતે સોમવારે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક (Nawab Malik)ની જ્યુડિશિયલ કસ્ટડી 22 એપ્રિસ સુધી લંબાવી છે. જોકે, NCP નેતાએ ખરાબ સ્વાસ્થ્યને લઈ ફરિયાદ કરી હતી, પણ તેમની આ ફરિયાદનો કોઈ ફાયદો ન થયો અને તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં. મલિકને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ સંબંધિત કેસની સુનાવણી માટે નિયુક્ત વિશેષ ન્યાયાધીશ આર એન રોકડે સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

અદાલતને કિડનીની બિમારી વિશે જણાવ્યું

એનસીપી નેતા નવાબ મલિકે વિટનેસ બોક્સમાં કહ્યું હતું કે તેઓ કિડનીની બિમારીને કારણે અસ્વસ્થ અનુભવે છે અને તેમના પગ પર સોજો પણ છે. મલિકે આગળ કહ્યં હતું કે, જ્યારે પણ તેમણે પોતાની પીડાની ફરિયાદ કરી, જેલ અધિકારીઓ તેમને પેન કિલર દવા આપતા હતાં. એનસીપી નેતાએ વધુમાં કહ્યું કે તે હવે પોતાની સ્વાસ્થ્સ સંબંધિત સમસ્યાઓનું હંમેશા માટે નિવારણ લાવવા માગે છે. 

22 એપ્રિલે થશે અરજી પર ફરી સુનાવણી

મલિકના વકીલ કુશલ મોરે કોર્ટને જણાવ્યું હતું કે મંત્રીની ગેરકાયદેસર ધરપકડ અને તાત્કાલિક મુક્તિને પડકારતી અરજીની સુનાવણી 22 એપ્રિલે થવાની શક્યતા છે. વિશેષ ન્યાયાધીશ રોકડેએ મલિકની ન્યાયિક કસ્ટડી 22 એપ્રિલ સુધી લંબાવી હતી. ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 23 ફેબ્રુઆરીએ મલિકની ધરપકડ કરવામાં આવી હતી.

NCP નેતા 21 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલતા પહેલા 7 માર્ચ સુધી ED કસ્ટડીમાં હતા, જે બાદમાં 4 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા હતા. 4 એપ્રિલે તેની કસ્ટડી ફરી 18 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી.

mumbai news nawab malik